News of Tuesday, 13th May 2025
સ્વસ્થ ગુજરાત : વર્ષ ૨૦૨૪માં ૧૦,૨૮૦થી વધુ આરોગ્ય મંદિરોએ ૩૮ લાખથી વધુ લોકોને આપ્યો આરોગ્ય લાભ
રાજ્યના આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ, ડોકલાવ બન્યું દેશનું પ્રથમ NQAS પ્રમાણિત કેન્દ્ર : પ્રવાસન સ્થળોએ પણ મોડેલ આરોગ્ય મંદિરો કાર્યરત

ગાંધીનગર, તા. ૧૩ મે, ૨૦૨૫ - જાહેર આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૦,૨૮૦થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો કાર્યરત થઈ ચૂક્યા છે, જે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા મૂળભૂત આરોગ્ય સંભાળની સાથે જરૂરી રેફરલ સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે, જેના કારણે દરેક નાગરિકને સરળતાથી અને સુલભ રીતે આરોગ્ય સેવાઓ મળી રહી છે.
આ આયુષ્માન આરોગ્ય મંદિરો પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તરીકે કાર્ય કરે છે, જે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોના નાગરિકોને તેમના ઘરની નજીક જ ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ ઉપલબ્ધ કરાવે છે.
૧૦,૨૮૦થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં ૭,૬૦૦ કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની નિમણૂક
ગુજરાતમાં કાર્યરત ૧૦,૨૮૦થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં ૧૪૮૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૭૭૧૭ પેટા આરોગ્ય કેન્દ્રો, ૪૧૭ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૬૭૦ શહેરી આયુષ્માન આરોગ્ય મંદિરોનો સમાવેશ થાય છે. આ કેન્દ્રોમાં ૭,૬૦૦ કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની નિમણૂક કરવામાં આવી છે, જેઓ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવી રહ્યા છે.
ખાસ વાત એ છે કે, મહીસાગર જિલ્લાનું ડોકલાવ પેટા આરોગ્ય કેન્દ્ર (આયુષ્માન આરોગ્ય મંદિર) તાજેતરમાં દેશનું પ્રથમ NQAS પ્રમાણિત આરોગ્ય મંદિર બન્યું છે, જે આરોગ્ય ક્ષેત્રે ગુજરાતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નિર્ધારિત નેશનલ ક્વૉલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) એ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સેવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરે છે અને તેને વધુ સારી બનાવવા માટે કાર્યરત છે.
૬૬,૯૦૦થી વધુ આયુષ્માન આરોગ્ય શિબિરોમાં ૩૮.૪૬ લાખથી વધુ લોકોને મળ્યા સ્વાસ્થ્ય લાભ
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાં આયુષ્માન આરોગ્ય મંદિરો હેઠળ કુલ ૬૬,૯૦૦થી વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૮.૪૬ લાખથી વધુ લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ શિબિરોમાં પેટા આરોગ્ય કેન્દ્રો પર ૫૯,૯૦૦થી વધુ શિબિરોમાં ૩૩.૨૦ લાખ લોકોને સેવાઓ મળી હતી, જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ૭,૦૧૦ શિબિરોમાં ૫.૨૫ લાખથી વધુ લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
આ આયુષ્માન આરોગ્ય શિબિરોમાં ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત), બાળરોગ નિષ્ણાત, સર્જન, આંખના નિષ્ણાત, ઇએનટી નિષ્ણાત, મનોચિકિત્સક અને ડેન્ટલ સર્જન જેવી નિષ્ણાત સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, નાની અને મોટી શસ્ત્રક્રિયાઓ, મોતિયાના ઓપરેશન, MTP અને ABHA (હેલ્થ આઈડી) બનાવવા જેવી ઘણી મહત્વપૂર્ણ તબીબી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે.
ગુજરાતના ૮ મુખ્ય પ્રવાસન સ્થળોએ કાર્યરત છે “મોડેલ આયુષ્માન આરોગ્ય મંદિર”
ગુજરાત સરકારે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવા માટે રાજ્યના ૮ મુખ્ય પ્રવાસન સ્થળોએ મોડેલ-આયુષ્માન આરોગ્ય મંદિરની સ્થાપના કરી છે જેમાં ગીર નેશનલ પાર્ક, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ, ડાયનાસોર મ્યુઝિયમ, પોલો ફોરેસ્ટ, રાણી કી વાવ અને મોઢેરા સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે. આ આરોગ્ય મંદિરોનો ઉદ્દેશ માત્ર પ્રવાસીઓને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાનો નથી, પરંતુ સ્થાનિક સમુદાય માટે આરોગ્ય સુવિધાઓનો વિસ્તાર કરવાનો પણ છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
