News of Tuesday, 13th May 2025
ભ્રષ્ટાચારની જાળ : નવસારીમાં ૪૦ હજારની લાંચ લેતા PSI સહિત બે પોલીસકર્મીઓ ACBના સકંજામાં : એક ફરાર
પ્રોહિબિશનના કેસમાં આગોતરા જામીન પર છૂટવા માટે લાંચની માંગણી, ટ્રેપમાં એક ઝડપાયો : PSIની શોધખોળ ચાલુ

નવસારી: નવસારીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક સફળ ટ્રેપ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં ૪૦ હજાર રૂપિયાની લાંચ લેવાના આરોપસર નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અમૃત મગનભાઇ વસાવા અને હેડ કોન્સ્ટેબલ ચિરાગ સુરેશભાઇ રાઠોડને ACBએ પોતાના સકંજામાં લીધા છે. જો કે, આ ઘટનામાં PSI અમૃત વસાવા ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે હેડ કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ફરિયાદી પ્રોહિબિશનના એક ગુનામાં આરોપી હતા અને તેમણે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. આ જામીન હુકમ મુજબ અટક કરી જામીન મુક્ત કરવાની કાર્યવાહી કરવાના બદલામાં PSI અમૃત વસાવાએ ફરિયાદી પાસેથી ૪૦ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. એટલું જ નહીં, PSIએ ફરિયાદીને આ લાંચની રકમ હેડ કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડને આપી દેવાનું પણ જણાવ્યું હતું.
લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી ફરિયાદીએ સીધો જ ACBનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી. ફરિયાદીની ફરિયાદના આધારે ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન આરોપી હેડ કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડ લાંચની રકમ સ્વીકારતા જ ACBના અધિકારીઓના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જો કે, મુખ્ય આરોપી PSI અમૃત વસાવા ઘટનાસ્થળે હાજર ન હોવાથી ફરાર થઈ ગયા છે. ACB દ્વારા તેમની શોધખોળ ચાલુ છે.
આ ટ્રેપિંગ ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. સક્સેના અને સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને ભ્રષ્ટાચાર સામે ACBની કડક કાર્યવાહીનો વધુ એક પુરાવો મળ્યો છે.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
