<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

સરકારે અધિકારીઓના આતિથ્‍ય ખર્ચમાં કર્યો ૧૫૦ ટકાનો વધારો

સરકારી બાબુઓ માટે જલસા

 

 

અમદાવાદ,તા.૧૪: રાજ્‍ય સરકારનાં અધિકારીઓ માટે સરકારે એક મહત્‍વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્‍ય સરકારે અધિકારીઓનાં નાસ્‍તા અને ભોજનના ખર્ચમાં ૧૫૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે સરકારી કામકાજ અર્થે મુલાકાતે આવતા વિવિધ મહાનુભાવો, અતિથિઓ અને નાગરિકો માટેના આતિથ્‍ય ભથ્‍થા અને અલ્‍પાહાર ખર્ચની મર્યાદામાં વધારો કર્યો છે. ગુજરાત નાણાકીય સત્તા સોંપણી નિયમો-૧૯૯૮ ના પ્રકરણ-૪ હેઠળની જોગવાઈઓ અનુસાર આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.

આતિથ્‍ય અંગેના વાર્ષિક ખર્ચની અધિકતમ મર્યાદા ૨૫,૦૦૦

સરકારના સચિવો માટે વ્‍યક્‍તિ દીઠ નાસ્‍તા માટેની મર્યાદા હાલ ૨૦ રૂપિયા હતી તે વધારીને ૫૦ રૂપિયા કરી દેવામાં આવી છે. બપોરનાં અને રાત્રિનાં ભોજન માટેની ખર્ચ મર્યાદા જે ૧૦૦ રૂપિયા હતી તે વધારીને ૨૫૦ રૂપિયા કરવામાં આવી છે. તે ઉપરાંત આતિથ્‍ય અંગેના વાર્ષિક ખર્ચની અધિકતમ મર્યાદા જે હાલ ૧૦,૦૦૦ હતી તે વધારીને ૨૫,૦૦૦ કરી દેવામાં આવી છે.

તે ઉપરાંત સચિવના દરજ્‍જાના પરંતુ આતિથ્‍ય/હોદ્દો-ખર્ચ ભથ્‍થું આકારતા ન હોય તેવા ખાતાના વડાઓ માટે બપોરનાં અને રાત્રિનાં ભોજન માટેની ખર્ચ મર્યાદા જે ૧૦૦ રૂપિયા હતી તે વધારીને ૨૫૦ રૂપિયા કરવામાં આવી છે. તે ઉપરાંત આતિથ્‍ય અંગેના વાર્ષિક ખર્ચની અધિકતમ મર્યાદા જે હાલ ૧૦,૦૦૦ હતી તે વધારીને ૨૫,૦૦૦ કરી દેવામાં આવી છે.

વહીવટી વિભાગમાં અધિક સચિવ, સંયુક્‍ત સચિવ, નાયબ સચિવ, ખાતાના વડા, (જેઓ સચિવ કક્ષાના ન હોય) પ્રાદેશિક વડા, એડિશનલ કમિશનર માટે નાસ્‍તા માટેની મર્યાદા જે ૧૫ રૂપિયા હતી તે વધારીને ૩૫ રૂપિયા કરવામાં આવી છે. તેમજ આતિથ્‍ય અંગેના વાર્ષિક ખર્ચની અધિકતમ મર્યાદા જે ૫૦૦૦ હતી તે વધારીને ૧૨૫૦૦ કરવામાં આવી છે.(૪૦.૫)

(10:11 AM IST)