News of Wednesday, 14th May 2025
ભારતીય પાસપોર્ટ મેળવવામાં સફળ બનેલ એ યુવતિ પાકિસ્તાની સાથે પણ રહી ચૂકી હોવાનો ધડાકો
મુંબઇ, ગોવા સહિત દેશના વિવિધ ભાગોમાં રહી અમદાવાદ આવેલ બાંગ્લાદેશી રહસ્યમય યુવતીએ પોતાનું નામ ચેન્જ કેમ કર્યુ ? ક્રાઇમ બ્રાન્ચ તપાસનો ધમધમાટ : કાશ્મીરખીણની બર્બરતાભરી આતંકી ઘટનાના પગલે સીપી, જોઇન્ટ સીપી કે ડીસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ મોડમાં હોવાથી મોટી સફળતા સાંપડી

રાજકોટ, તા.૧૪: મુંબઈ, ગોવા સહિત દેશના વિવિધ ભાગોમાં રહી પોતાના નામ બદલતી એક બાંગ્લાદેશી મહિલા જે થોડો સમય થયા અમદાવાદ આવી હતી તેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેની કર્મ કુંડળી મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની બાબતને અકિલા સાથેની વાતચીતમાં પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને ક્રાઈમ બ્રાંચ વડા શરદ સિંઘલના માર્ગદર્શનમાં જેમના નેતળત્વ હેઠળ આ તપાસ ચાલે છે તેવા ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણે અકિલા સાથેની વાતચીતમા સમર્થન આપેલ છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે તેની જોડાણોનો ખુલાસો થયો છે.
આ મહિલાના મોબાઈલમાંથી મળેલા ગુગલ, જીમેઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટો પાકિસ્તાન અને બાંગ્લાદેશથી એક્ટિવ થયા હોવાનો ખુલાસો થયો છે.
હાલ આ વિદેશી યુવતી પોલીસ રિમાન્ડ પર છે, અને રિમાન્ડ દરમિયાન ચોક્કસ નિષ્કર્ષ પર પોહચી શકાશે તેમ સૂત્રો જણાવે છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવેલી આ મહિલાનું નામ છે જરના અખ્તર મોહમ્મદ જાહિર શેખ. જરના પોતાના પતિ સાથે અમદાવાદના જુહાપુરામાં રહે છે. અને જરનાને લગ્ન બાદ એક બાળક પણ છે. જરના શેખ ઉર્ફે જોયા ભારતીય નહીં પણ બાંગ્લાદેશી છે. બાતમી મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એક્શનમાં આવી અને પહેલા તો જાણવાજોગ ફરિયાદ દાખલ કરાઈ.
૨૦૧૬થી અમદાવાદ આવીને વસેલી બાંગ્લાદેશી મહિલા જરનાએ ભારતમાં આવીને પોતાનું નામ જોયા કરી નાખ્યું. ભારતની રહેવાસી હોવાનું સાબિત કરવા માટે ઉત્તરપ્રદેશમાં જન્મ થયો હોવાના ખોટા પૂરાવા ઉભા કર્યા. જેમાં મહારાષ્ટ્રના એજન્ટ યુનુસે તેની મદદ કરી હતી. એટલું જ નહીં ભારતીય પાસપોર્ટ ગુજરાત અને મહારાષ્ટ્રના ભાડા કરારના આધારે બનાવ્યા હોવાનો ખુલાસો થયો. પાસપોર્ટ માટે પોલીસે ત્રણ-ત્રણ વખત નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. છતાં પણ બાંગ્લાદેશી મહિલાએ આખરે પાસપોર્ટ મેળવ્યો. ૨૦૦૯માં મહિલાએ નારોલના કર્ણાવતી ફલેટમાં રહે છે તેવું પણ દર્શાવ્યું હતું. પણ ફલેટ તો વર્ષ ૨૦૧૨માં અસ્તિત્વમાં આવ્યા હતા.
ઉત્તરપ્રદેશમાં જન્મ થયો હોવાના ખોટા પૂરાવા ઉભા કર્યા જેમાં મહારાષ્ટ્રના એક એજન્ટે તેની મદદ કરી ભારતીય પાસપોર્ટ માટે ભાડા કરારનો ઉપયોગ કર્યો પાસપોર્ટ માટે પોલીસે ત્રણ-ત્રણ વખત નકારાત્મક અભિપ્રાય આપ્યો.
બાંગ્લાદેશી મહિલા ભારતીય પાસપોર્ટના આધારે ઘણાં વિદેશ પ્રવાસ કરી ચૂકી છે. પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો તો ત્યારે થયો જ્યારે ખબર પડી કે મહિલા ભારતીય પાસપોર્ટના આધારે UAEમાં ૯ માસ નોકરી કરી ચૂકી છે. અને તે જ્યાં નોકરી કરતી હતી તે વ્યક્તિ પાકિસ્તાનનો હતો. સાથે જ મહિલા જ્યારે પરત ભારત આવી ત્યારે ગુજરાતમાં વસવાટ કરવાનું વિચાર્યુ. સોશિયલ મીડિયા મારફતે અમદાવાદના એક વ્યક્તિ સાથે મિત્રતા કેળવી અને તેની સાથે જ લગ્ન કર્યા. લગ્ન બાદ મહિલા અમદાવાદના જુહાપુરામાં રહેતી હતી.
તપાસ દરમિયાન મહિલાના ઘરેથી વિદેશી ચલણ પણ મળી આવ્યું હતું. ત્યારે બાંગ્લાદેશી મહિલા ભારતમાં કેમ વસવાટ કરતી હતી. ભારતમાં આવવા પાછળનું કારણ શું. સાથે જ UAEમાં નોકરી દરમિયાન તેના પાકિસ્તાની માલિક સાથે કેળવેલા સંબંધો સહિતના મુદ્દાઓને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે. આગામી સમયમાં કોઈ ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે.(૬.૮)
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
