તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 14th May 2025
આયાતી લક્ઝુરિયસ કારની ઓછી કિંમત દર્શાવીને ૭ કરોડની ટેક્સ ચોરી
ડીઆરઆઈ અમદાવાદે હૈદરાબાદના એક વ્યક્તિની ધરપકડ કરી

અમદાવાદ તા.૧૪: લકઝુરિયસ કાર આયાત કરીને ઓછી કિંમત દર્શાવીને રૂ. ૭ કરોડની ડ્યુટી ચોરી કરવાના મામલે ડીઆરઆઈ અમદાવાદે હૈદરાબાદના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. બસરથ અહેમદ ખાન નામના વ્યક્તિએ અત્યાર સુધીમાં આઠ લકઝરી કાર કસ્ટમ સમક્ષ ખોટી કિંમત દર્શાવીને આયાત કરી હતી. હમર ઈવી, કેડિલેક એસ્કેલેડ, રોલ્સ રોયસ, લેક્સસ, ટોયોટા લેન્ડ ક્રુઝર અને લિંકન નેવિગેટર જેવા મોડેલોની આયાત કરવામાં આવી છે. આયાતકારો હૈદરાબાદ, મુંબઈ, પુણે, અમદાવાદ, બેંગ્લોર અને દિલ્હી સ્થિત છે અને અંદાજિત ૨૫ કરોડ રૂપિયાથી વધુની ડ્યુટી ચોરી કરવામાં આવી છે.
ભારતમાં લાગુ કસ્ટમ ડ્યુટીથી બચવા માટે ભારતીય બંદરો પર જે કારની આયાત કરવામાં આવતી હતી તેનું મૂલ્ય ઓછું દર્શાવી ડ્યુટી ઓછી ભરી ચોરી કરવામાં આવતી હતી. આ લકઝરી કારને પહેલા અમેરિકા કે જાપાનથી દુબઈ કે શ્રીલંકા લઈ જવામાં આવતી હતી. અમેરિકન બનાવટની કારમાં લેફ્ટ સીટ ડ્રાઈવ હોય છે. જેથી આ કારને દુબઈ કે શ્રીલંકામાં રાઈડ હેન્ડ ડ્રાઈવમાં રૂપાંતર કરાતી હતી. ત્યારબાદ તેના બનાવટી દસ્તાવેજો બનાવી આયાત મૂલ્ય ખોટું બતાવી ડ્યુટી ચોરી કરાતી હતી.
હૈદ્રાબાદ, મુંબઈ, પુણે, અમદાવાદ, બેંગ્લોર અને દિલ્હીના આયાતકારોએ આ મોડસ ઓપરેન્ડીથી અત્યાર સુધીમાં રોલ્સ રોયસ, હમર, લેકસસ જેવી ૩૦ જેટલી લકઝરી કારની આયાત કરી ૨૫ કરોડની ડ્યુટી ચોરી કરી હોવાનું ખૂલ્યું છે. આ મામલે હાલ એકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્યની તપાસ કરવામાં આવી રહી છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
