<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી ભેટ : રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવારને કેબિનેટની મંજૂરી

“ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના” હેઠળ PMJAY-મા યોજનાના “G” કેટેગરીના કાર્ડથી મળશે લાભ : અંદાજે ૬.૪૦ લાખ કર્મચારીઓ અને પેન્શનરોને થશે ફાયદો

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનરો માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના” શરૂ કરવામાં આવી છે, જેના હેઠળ તેમને કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ પ્રાપ્ત થશે.
મંત્રી ઋષિકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં અમલી PMJAY-મા યોજનાની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને આવરી લેવામાં આવશે અને લાભ આપવામાં આવશે. રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનરોને “G” સિરીઝનું AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે, જેની કાર્યવાહી PMJAYની નોડલ એજન્સી SHA (સ્ટેટ હેલ્થ એજન્સી) દ્વારા કરવામાં આવશે. આ કાર્ડ દ્વારા સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને PMJAYમાં જોડાયેલી હોસ્પિટલોમાં નિયત કરેલી સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે.
આ યોજના હેઠળ ઓપીડી (બહારના દર્દી તરીકે) સારવારનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જો કે, હાલમાં આપવામાં આવતું માસિક મેડિકલ એલાઉન્સ (રૂ. ૧૦૦૦) યથાવત મળતું રહેશે. રૂ. ૧૦ લાખથી વધુના ખર્ચ માટે અને જે સારવારની પ્રોસિજર AB-PMJAY-MAAમાં ઉપલબ્ધ નથી તેમજ હોસ્પિટલ PMJAYમાં જોડાયેલી નથી, તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં PMJAY-મા યોજના હેઠળ રાજ્યમાં કુલ ૨,૬૫૮ હોસ્પિટલો (૯૦૪ ખાનગી અને ૧૭૫૪ સરકારી) જોડાયેલી છે, જેમાં ૨,૪૭૧ નિયત કરેલી પ્રોસિજરની સારવારનો સમાવેશ થાય છે. રાજ્યમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસ (AIS)ના અધિકારીઓ અને પેન્શનરો, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબીજનો તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે, તે તમામને આ યોજનાનો લાભ મળશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજે ૪.૨૦ લાખ કર્મચારીઓ અને અંદાજે ૨.૨૦ લાખ પેન્શનરો મળી કુલ ૬.૪૦ લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવા-સુવિધાઓનો લાભ મળશે. ફિક્સ-પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે, જ્યારે ૭૦ વર્ષથી વધુ વયના પેન્શનરોને હાલમાં શરૂ કરાયેલી વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી તેઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નહીં. આ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૩૦૩.૩ કરોડનું પ્રીમિયમ ભારણ રાજ્ય સરકાર પર આવશે. આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ રૂ. ૩૭૦૮નું પ્રીમિયમ ચૂકવશે.

(5:19 PM IST)