News of Wednesday, 14th May 2025
અમદાવાદ સાયન્સ સિટીમાં ખગોળ અને અવકાશ વિજ્ઞાનની અદભુત ગેલેરીનો પ્રારંભ : ૧૫મી મેથી મુલાકાતીઓ માટે ખુલશે
સૌરમંડળ અને ભારતના અવકાશ વિજ્ઞાનમાં યોગદાનને દર્શાવતી અત્યાધુનિક ગેલેરી : વિદ્યાર્થીઓ માટે વિશેષ એક્ટિવિટી અને ૩-ડી ફિલ્મનું આયોજન

અમદાવાદ: અમદાવાદની ગુજરાત સાયન્સ સિટીમાં વધુ એક આકર્ષણ ઉમેરાયું છે. અહીં ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’નો ૧૫મી મે, ૨૦૨૫થી મુલાકાતીઓ માટે પ્રારંભ થવા જઈ રહ્યો છે. સૌરમંડળની દિવ્ય રચના પર આધારિત આ ગેલેરી એક અદ્ભુત શૈક્ષણિક અને માહિતીસભર સ્થળ બનશે.
સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે આ ગેલેરી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સાયન્સ સિટી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. એક્વેરિયમ અને રોબોટિક ગેલેરીની સફળતા બાદ આ ત્રીજી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ ગેલેરી મુલાકાતીઓ માટે ખુલશે, જેમાં ભારતના વિશેષ યોગદાનને દર્શાવવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વેકેશનના સમયને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીની સૂચનાથી ૧૫મી મે ગુરુવારથી આ ગેલેરી ખુલ્લી મુકાશે, જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો લાભ લઈ શકે.
મોના ખંધારે આ ગેલેરીની વિશેષતાઓ અને મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ માટે વિશેષ એક્ટિવિટી અને ૩-ડી ફિલ્મનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કુલ ૧૨,૭૯૭ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી આ ગેલેરીમાં મધ્યમાં સૂર્યનું પ્રતિનિધિત્વ કરતો ત્રણ માળ જેટલો ઊંચો વિશાળ ગ્લોબ છે, જેની ફરતે અન્ય ગ્રહોની ગોઠવણી જોઈ શકાય છે. ત્રણ માળની આ ગેલેરીમાં છ મુખ્ય વિભાગો છે. ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી વિભાગમાં ૪૭ એક્ઝિબિટ્સ એસ્ટ્રોનોમીના મૂળ સિદ્ધાંતો અને ઇતિહાસની માહિતી આપે છે. પ્રેઝન્ટ ગેલેરી વિભાગમાં વર્તમાન સમયના અવકાશ મિશન અને શોધોના ૩૦ એક્ઝિબિટ્સ છે, જ્યારે ફ્યુચર ગેલેરી વિભાગમાં ભવિષ્યના સંશોધનના ૨૪ એક્ઝિબિટ્સ છે.
ભારતના એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સના યોગદાનને દર્શાવતી ખાસ વિજ્ઞાન ગેલેરીમાં ૩૨ એક્ઝિબિટ્સ છે. સ્ટેરલર ગેલેરીમાં તારાઓ અને તારામંડળોની રચનાની માહિતી આપતા ૮ એક્ઝિબિટ્સ છે, જ્યારે વર્ચ્યુઅલ રિયાલિટી ગેલેરીમાં અવકાશનો વર્ચ્યુઅલ પ્રવાસ કરાવતા ૪ એક્ઝિબિટ્સ છે. આ ઉપરાંત ચાર એટ્રિયમ આધારિત અને ૬ આઉટડોર ઇન્સ્ટોલેશન પણ મુલાકાતીઓને અનોખો અનુભવ કરાવશે. આ ગેલેરી નવી પેઢી માટે બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું આકર્ષક સ્થળ બનશે.
ગેલેરીની મુખ્ય વિશેષતાઓ:
* ૧૭૨ બેઠક ક્ષમતા ધરાવતું હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ, જે દેશનું એકમાત્ર સૌથી ઊંચું પ્લેનેટેરિયમ છે.
* ૨૪ ઇંચ ટેલિસ્કોપ યુક્ત ઓબ્ઝર્વેટરી ડોમ, જેમાં ૩૬૦-ડિગ્રી વ્યૂઇંગ અને અદ્યતન એસ્ટ્રોફોટોગ્રાફી સાધનો ઉપલબ્ધ છે.
* ૬.૫ મીટર વ્યાસ ધરાવતો વિશ્વનો સૌથી મોટો મિકેનિકલ ઓરરી, જે ગ્રહોની ગતિ દર્શાવે છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
