<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

સિકલસેલ નાબૂદી અભિયાનને વેગ : સુરતમાં ગુજરાતનું પ્રથમ 'સેન્ટર ઓફ કોમ્પીટેન્સી' મંજૂર

કેન્દ્ર સરકાર દ્વારા ₹૬ કરોડની ફાળવણી : આધુનિક સારવાર અને તાલીમ કેન્દ્ર બનશે

 

 

સુરત: કેન્દ્ર સરકારના 'સિકલસેલ એનિમિયા નાબૂદી અભિયાન-૨૦૪૭' અંતર્ગત ગુજરાતને મોટી ભેટ મળી છે. આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે માહિતી આપતા જણાવ્યું કે, સુરત ખાતે ગુજરાતના પ્રથમ 'સેન્ટર ઓફ કોમ્પીટેન્સી-CoC'ને મંજૂરી આપવામાં આવી છે. આ સેન્ટર માટે ભારત સરકાર દ્વારા ₹૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે સિકલસેલ એનિમિયાની આધુનિક સારવાર અને નિદાન માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
મંત્રી ડૉ. ડિંડોરે જણાવ્યું હતું કે, આ સેન્ટરમાં સિકલસેલના દર્દીઓની સંભાળ, સારવાર, શિક્ષણ અને સંશોધન કાર્ય હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં, CoC ખાતે આદિજાતિના ૧૪ જિલ્લાના નોડલ અધિકારીઓ, સિકલસેલ કાઉન્સિલરો અને હેલ્થકેર પ્રોફેશનલ્સને પણ તાલીમ આપવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં સિકલસેલથી અસરગ્રસ્ત વિસ્તાર અને આદિજાતિ સમુદાયની વસ્તી વધુ હોવાથી ન્યુ સિવિલ હોસ્પિટલ-સુરતની આ CoC માટે પસંદગી કરવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫-૦૬થી જ આદિજાતિઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાતમાં સિકલસેલ નિયંત્રણ માટે અનેક પગલાં ભર્યા હતા. ગુજરાતમાં શરૂઆતથી જ સિકલસેલ એનિમિયા ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવે છે, જેના કારણે અનેક લોકોને રાહત મળી છે. ગુજરાતની કામગીરીને ધ્યાનમાં લઈને જ ભારત સરકારે સિકલસેલ એનિમિયા નાબૂદી અભિયાન હેઠળ વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, આ રોગ ખાસ કરીને આદિજાતિ ભાઈ-બહેનોમાં જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓની વધુ વસ્તી અને દર્દીઓની સંખ્યાને કારણે સુરતની પસંદગી કરવામાં આવી છે. આ સેન્ટર આગામી સમયમાં આદિવાસી સમુદાયમાંથી સિકલસેલને નાબૂદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા છે. સમગ્ર દેશમાં આદિજાતિઓના સ્વાસ્થ્ય માટે ગુજરાત સહિત કુલ ૧૭ રાજ્યોમાં CoCની મંજૂરી મળી છે, જે ગૌરવની વાત છે.
સેન્ટર ઓફ કોમ્પીટેન્સી (CoC)ની ભૂમિકા: આ સેન્ટર આદિજાતિ નાગરિકોમાં રોગ અંગે જાગૃતિ ફેલાવશે અને આરોગ્ય ક્ષમતાનું નિર્માણ કરશે. અહીં અત્યાધુનિક નિદાન અને સારવારના સાધનો ઉપલબ્ધ હશે. દરેક દર્દીની નોંધણી અને ફોલોઅપ માટે વ્યવસ્થા ગોઠવાશે. હેલ્થકેર પ્રોવાઇડર્સ માટે તાલીમ કેન્દ્ર બનશે અને જરૂર જણાય તો આદિવાસી બોલીઓમાં પણ તાલીમ અને જાગૃતિ સાહિત્ય તૈયાર કરાશે. આ ઉપરાંત, સિકલસેલ જેવા આનુવંશિક રોગ પર સંશોધન અભ્યાસો પણ હાથ ધરવામાં આવશે, જેના આધારે આદિવાસી સમુદાયમાં જાગૃતિ અને નિવારણ માટે વિશેષ પ્રયાસો કરાશે.

(4:39 PM IST)