News of Thursday, 15th May 2025
મિશન સિંદુર - એક રક્તદાન દેશ કે નામ અંતર્ગત વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના રક્તદાતાઓએ સ્વેચ્છિક રક્તદાન કર્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલ મિશન સિંદૂર એક રક્તદાન દેશ કે નામ અંતર્ગત સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ વિરમગામ ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ રક્તદાન કેમ્પમાં ધારાસભ્ય હાર્દિક પટેલ, પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈ, મામલતદાર મયુરધ્વજસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ પટેલ, હિતેશભાઈ મુનસરા, તાલુકા વિકાસ અધિકારી, વિરમગામ ટાઉન તથા રૂરલ પીઆઈ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, રાજકીય આગેવાનો, સ્થાનીક કંપનીઓના અધિકારીઓ કર્મચારીઓ, વેપારીઓ, સામાજિક આગેવાનો સહિતના સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે રક્તદાતાઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. વિરમગામ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકાના સૌ નાગરિકોને સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રક્તદાનએ બિલકુલ સરળ અને સુરક્ષિત પ્રક્રિયા હોય છે. રક્તદાન કરવાથી કોઈપણ જાતનો ચેપ લાગુ પડતો નથી. 18 વર્ષથી વધુ વયની કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે અને દર 3 માસના ગાળા બાદ ફરી રક્તદાન કરી શકે છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
