News of Friday, 16th May 2025
ગન લાઈસન્સ લેવું હવે અઘરૂ ૫૦૦ જેટલા લાયસન્સ કેન્સલ
વર્તમાન ગન લાઇસન્સની સમીક્ષા કર્યા બાદ બિનજરૂરી ૫ હજાર રદ થવાનો અંદાજ

અમદાવાદ,તા.૧૬: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગન કે રાઈફલના લાઈસન્સધારકો દ્વારા સામાજિક પ્રસંગોમાં ફાયરિંગ અને હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે આગામી સમયમાં આડેધડ ગન લાઈસન્સ આપવા ઉપર ગળહ વિભાગ દ્વારા તવાઇ લવાશે. છેલ્લા કેટલાક સમયમાં ચકાસણી કરીને ૫૦૦ જેટલા લાઇસન્સ કેન્સલ કરાયા છે. તબક્કાવાર જેટલા લાઈસન્સ અપાયા છે તેમાં રિન્યૂ કરાવવા માટે આવે ત્યારે પણ તપાસ કરીને રદ કરી નાખવામાં આવે છે. હવે બિનજરૂરી લાગશે તેવા પાંચેક હજાર લાઈસન્સ રદ કરાશે. ગુજરાતમાં સામાન્ય રીતે ગન લાઇસન્સ કડક ચકાસણી કરી અરજદાર વ્યક્તિ તેને લાયક છે કે નહીં તે પછી જ અપાતું હોય છે. તેમ છતાં દેખાદેખી કે રોફ જમાવવા પણ પોતાની ઉપર જોખમ હોવાનું કારણ આપીને અનેક લોકોએ ગમે તેમ કરીને ભૂતકાળમાં ગન લાઇસન્સ મેળવી લીધા છે. ૨૦૧૬ના વર્ષમાં ગુજરાતમાં ૬૦,૭૮૪ લોકો પાસે ગન લાઈસન્સ હતા. તે ૮ વર્ષમાં વધીને ૨૦૨૩માં ૬૭,૩૦૮ જેટલા નોંધાયા છે. ગળહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ તેમના કાર્યકાળ દરમિયાન કોઈ અયોગ્ય વ્યક્તિને ગન લાઈસન્સ અપાઈ ન જાય તે માટે પોલીસ તંત્રને ખાસ સૂચના અપાઈ છે. તે સાથે જે લાઈસન્સ અપાયેલા છે તેની પણ કડક ચકાસણી કરીને જો જરૂરી ન હોય તો રદ કરાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નહિવત્ ગન લાઈસન્સ જારી કરાઇ રહ્યા છે.(૪૦.૩)
ગુજરાતમાં ગન લાઇસન્સ લેવું સરળ નથી
* ગુજરાતમાં ગન કે બંદૂકનું લાઇસન્સ લેવું હોય તો ઓનલાઇન અરજીથી લઇ અનેક તબક્કામાં કડક ચકાસણી થાય છે
* કયા કારણોસર તમારે સ્વરક્ષણની જરૂર છે કે કેમ જીવ જોખમમાં છે તે જણાવવું પડે છે
* અરજદારનો કોઇ ગુનાઇત રેકોર્ડ છે કે નહીં તેની પોલીસ દ્વારા તપાસ કરાય છે
* ગંભીર ફોજદારી કેસમાં લાઇસન્સ મળતું નથી
* કયા હથિયારનું લાઇસન્સ તે જણાવવું પડે છે
* માનસિક રીતે વ્યક્તિની સ્વસ્થતા પણ ધ્યાને લેવાય છે
* બાળકોના હાથમાં ગન ન જાય તેવી સાવચેતીની સૂચના
* ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે ખેતીવાડી સંદર્ભે ઢોર કે ચોર-લૂંટારુથી રક્ષણ માટે અપાય છે.
* કેટલાક કિસ્સામાં પોલીસ રક્ષણ આપીને પણ ગન લાઇસન્સ આપતી નથી
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
