News of Friday, 16th May 2025
રાજ્યમાં MSME ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ : છેલ્લા પાંચ વર્ષમાં ૧.૩૦ લાખથી વધુ એકમોને રૂ. ૭,૮૬૪ કરોડની સહાય
‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’-ZED સર્ટિફિકેશનમાં ગુજરાત દેશભરમાં મોખરે

ગાંધીનગર : રાજ્ય સરકારે ઉદાર ઉદ્યોગ નીતિના અસરકારક અમલીકરણના પરિણામે ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. સરકાર દ્વારા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૦-૨૧ થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં અંદાજે ૧.૩૦ લાખથી વધુ MSME એકમોને રૂ. ૭,૮૬૪ કરોડ કરતાં વધુની સહાય પૂરી પાડવામાં આવી છે. આ સહાય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં રાજ્યનું ઉદ્યોગ ક્ષેત્ર ‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’ (ZED) સર્ટિફિકેશનમાં સમગ્ર દેશમાં અગ્રેસર બન્યું છે. રાજ્યમાં આશરે ૮૯ હજારથી વધુ ZED-રજિસ્ટર્ડ MSME અને ૫૯ હજારથી વધુ ZED-પ્રમાણિત MSME નોંધાયા છે, જે દેશમાં સૌથી વધુ છે. કેન્દ્ર સરકારના MSME મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ’ની પ્રક્રિયા હેઠળ રાજ્યમાં વર્ષ ૨૦૨૦-૨૧ થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં ૨૩.૭૯ લાખથી વધુ એકમોનું રજિસ્ટ્રેશન થયું છે.
રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા અને સ્થાનિક ઉદ્યોગોની ભાગીદારી વધારવાના હેતુથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ઓક્ટોબર-૨૦૨૩ દરમિયાન ‘વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ (VGVD) ફેસ્ટિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સ્થાનિક વેચાણ અને નિકાસ માટે જિલ્લાવાર વિશિષ્ટ ઉત્પાદનોને ઓળખવા અને તેનું મેપિંગ કરવા માટે ‘એક જિલ્લો, એક ઉત્પાદન’ (ODOP) યોજના હેઠળ કુલ ૨૬ ઉદ્યોગ ઉત્પાદનોની પસંદગી કરવામાં આવી છે.
રાજ્યમાં ગુણવત્તાયુક્ત વિકાસને પ્રોત્સાહન આપવા અને જાગૃતિ ફેલાવવા માટે આગામી તા. ૫ એપ્રિલથી તા. ૨૯ મે, ૨૦૨૫ દરમિયાન તમામ જિલ્લાઓમાં ‘ગુણવત્તા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા અત્યાર સુધીમાં રાજ્યના ૧૮ જિલ્લાઓમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે.
નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ અંતર્ગત મેન્યુફેક્ચરિંગ MSME સેક્ટરને ઔદ્યોગિક એસોસિએશન, ચેમ્બર્સ અને ફેડરેશન દ્વારા આયોજિત પ્રદર્શનોમાં ભાગ લેવા માટે વિવિધ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્ય સ્તરના પ્રદર્શનમાં ભાગ લેવા માટે ૭૫ ટકાના દરે મહત્તમ રૂ. ૫૦ હજાર, રાષ્ટ્રીય સ્તરે મહત્તમ રૂ. ૧ લાખ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતમાં મહત્તમ રૂ. ૨ લાખની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની બહાર ભાગ લેવા માટે ૬૦ ટકાના દરે મહત્તમ રૂ. ૫ લાખની સહાય ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ રાજ્ય સરકારે એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં કુલ ૮૫૨ અરજીઓ મંજૂર કરીને રૂ. ૫ કરોડની સહાય ચૂકવી છે. માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ યોજના-૨ હેઠળ પ્રદર્શનના આયોજકોને પ્રદર્શનના સમયગાળા દરમિયાન વીજ વપરાશના ૬૦ ટકા ખર્ચની સહાય પણ આપવામાં આવે છે.
રાજ્યમાં વિલંબિત ચૂકવણીના કેસોના ઝડપી નિરાકરણ માટે અગાઉ માત્ર એક જ કાઉન્સિલ કાર્યરત હતી. આથી કેસોના ઝડપી નિકાલ અને સ્થાનિક સ્તરે વિવાદોનું નિવારણ લાવવા માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪માં પાંચ નવી અને તાજેતરમાં છઠ્ઠી કચ્છમાં પ્રાદેશિક MSEFC કાઉન્સિલની સ્થાપના કરી છે. આમ, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા અને કચ્છમાં કાર્યરત આ છ MSEFC કાઉન્સિલ દ્વારા જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં કુલ ૧,૦૮૧ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં MSME હેઠળના ઉદ્યોગ સાહસિકોને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી અને વ્યાજ સહાય જેવી વિવિધ સહાય પૂરી પાડવામાં આવે છે. આ અંતર્ગત તા. ૦૧ એપ્રિલ, ૨૦૨૪ થી તા. ૦૮ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળ વ્યાજ સહાય, કેપિટલ સહાય અને CGTMSE સહાયમાં કુલ ૪,૪૦૦થી વધુ ક્લેઈમ અરજીઓને રૂ. ૧૩૭ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત, ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ હેઠળ કુલ ૮,૭૦૦થી વધુ ક્લેઈમ અરજીઓને રૂ. ૩૪૫ કરોડથી વધુની સહાય તેમજ આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમઇ-૨૦૨૨ હેઠળ વ્યાજ સહાય, કેપિટલ સહાય અને CGTMSE સહાયમાં કુલ ૨,૪૦૦થી વધુ ક્લેઈમ અરજીઓને રૂ. ૨૪૫ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
નોંધનીય છે કે, ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા ઉદ્યોગોના મૂડી રોકાણ અને વાર્ષિક ટર્નઓવરના આધારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એમ ત્રણ શ્રેણીઓમાં વર્ગીકરણ કરવામાં આવે છે. જે એકમોમાં પ્લાન્ટ, મશીનરી અને સાધનોમાં રૂ. ૨.૫ કરોડથી વધુનું મૂડીરોકાણ ન હોય અને રૂ. ૧૦ કરોડથી વધુનું ટર્નઓવર ન હોય તેવા એકમોને સૂક્ષ્મ એકમો તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે, જે એકમોમાં રૂ. ૨૫ કરોડથી વધુનું મૂડીરોકાણ ન હોય અને રૂ. ૧૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ન હોય તેવા એકમોને લઘુ એકમો અને રૂ. ૧૨૫ કરોડથી વધુનું મૂડીરોકાણ ન હોય અને રૂ. ૫૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ન હોય તેવા એકમોને મધ્યમ એકમો તરીકે ઓળખવામાં આવે છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
