News of Friday, 16th May 2025
મહિલા ઉત્કર્ષ માટે રાજ્ય સરકારનો પ્રયાસ: ગાંધીનગર ખાતે આજે ‘મહિલા સંમેલન’ યોજાશે
મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ અને લોકજાગૃતિ માટે આજે, તા. ૧૭ મેના રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે “મહિલા સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા આ સંમેલનના અધ્યક્ષસ્થાને રહેશે.
રાજ્ય સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ‘બેટી બચાવો બેટી પઢાવો’ જેવા અભિયાનો ચલાવ્યા છે. આ સાથે સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ માટે કડક કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મહિલાઓના સંરક્ષણ અને કલ્યાણ માટે વિવિધ યોજનાઓનો અસરકારક અમલ કરીને સરકારે મહિલાઓના ઉત્થાનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આજે સાંજે ૫ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત સરકાર દ્વારા પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર-ખેડાના નવનિર્મિત ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ગુજરાત મહિલા વિકાસ પુરસ્કારનું વિતરણ, વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમોનું વિતરણ અને ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાના મંજૂરી હુકમો પણ લાભાર્થીઓને એનાયત કરવામાં આવશે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના મંજૂરી હુકમોની સાથે મહિલા સ્વાવલંબન યોજનાના મંજૂરી ચેકનું વિતરણ પણ કરવામાં આવશે. કાર્યક્રમમાં માતા યશોદા એવોર્ડ અને પોષણ ઉત્સવ વાનગી સ્પર્ધાના વિજેતાઓને ઇનામોથી સન્માનિત કરવામાં આવશે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સતત પ્રયાસોને પરિણામે રાજ્યની મહિલાઓના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. મહિલા સશક્તિકરણના માધ્યમથી ગુજરાત એક ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
