<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

વિકાસ સહાય જુનાગઢમાં: રાજયની ક્રાઇમ કોન્‍ફરન્‍સમાં ઉપસ્‍થિત

ગુજરાત રાજયમાં ગુનાની સ્‍થિતિ, કાયદો-વ્‍યવસ્‍થા અને દરીયાઇ સુરક્ષા વિશે રાજયના પોલીસવડાની અધ્‍યક્ષતામાં સમીક્ષા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૭ :  જૂનાગઢમાં મનોરંજન સર્કિટ હાઉસ ખાતે સવારે ૧૧ વાગ્‍યાથી ગુજરાતના પોલીસ વડા  વિકાસ સહાયની અધ્‍યક્ષતામાં રાજ્‍યની ક્રાઈમ કોન્‍ફરન્‍સ યોજાયેલ છે.

ક્રાઈમ કોન્‍ફરન્‍સ અંગે ગુનાની પરિસ્‍થિતિ, કાયદો વ્‍યવસ્‍થા, દરિયાઈ સુરક્ષા સહિત એપ્રિલ માસની કામગીરી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી છે.

ક્રાઈમ કોન્‍ફરન્‍સમાં જૂનાગઢ રેંજના આઇજી નિલેશ જાજડીયા સહિત ૯ રેંજના આઈજી તથા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત શહેરના પોલીસ કમિશનર, ડીજી ઓફિસના ક્રાઈમ, ઇન્‍ટેલિજન્‍સ, ઇન્‍કવાયરી, એડમિનિસ્‍ટ્રેટિવ આસી. ડીજી કક્ષાના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં છે.

રાજ્‍યના પોલીસ વિભાગની રાજ્‍ય કક્ષાની ક્રાઈમ કોન્‍ફરન્‍સ ગાંધીનગરમાં થતી હોય છે પરંતુ ડીજીપી વિકાસ સહાયએ નવો અભિગમ શરૂ કરી અલગ અલગ રેન્‍જમાં ક્રાઈમ કોન્‍ફરન્‍સ યોજવાનું હાથ ધર્યું છે. ગયા વખતે અમદાવાદ રેન્‍જની ખેડા ખાતે તેમજ એ પહેલા ગોધરામાં અને આ વખતે રાજ્‍યની ક્રાઈમ કોન્‍ફરન્‍સ જૂનાગઢ મનોરંજન સર્કિટ હાઉસ આયોજિત કરવામાં આવી છે.કોન્‍ફરન્‍સ માટે વિકાસ સહાય સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ શુક્રવારે જ જૂનાગઢ આવી પહોંચ્‍યા હતા. કોન્‍ફરન્‍સ પૂર્ણ થયા બાદ ગુજરાતનાં પોલીસ વડા વિકાસ સહાય મીડિયા સાથે સંવાદ કરશે.

(11:56 AM IST)