News of Saturday, 17th May 2025
સુરતમાં ખંડણી માટે અપહરણ બાદ સિક્યુરિટી એજન્સીના માલિકની કરપીણ હત્યા : લાશ બે ટુકડામાં કોથળામાંથી મળી : રિક્ષાચાલક શંકાના દાયરામાં
પાંચ દિવસ પહેલાં અપહરણ બાદ ૩ કરોડની ખંડણી માંગવામાં આવી : મીઠી ખાડીમાંથી બે ટુકડામાં મળેલી લાશથી ચકચાર : રિક્ષામાં લઈ જનાર રાશિદની શોધખોળ તેજ

સુરત: સુરતમાં સિક્યુરિટી એજન્સીના માલિક ચંદ્રભાન દુબેનું પાંચ દિવસ પહેલાં અપહરણ થયા બાદ હત્યા કરી દેવાતા શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે. અપહરણકારોએ પરિવારજનો પાસે ત્રણ કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. પરંતુ, અપહરણના પાંચમા દિવસે એટલે કે ૧૬ મેના રોજ લીંબાયત વિસ્તારની મીઠી ખાડીમાંથી ચંદ્રભાન દુબેની કોથળામાં ભરેલી અને બે ટુકડામાં કાપેલી લાશ મળી આવતા પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસને ચંદ્રભાનને છેલ્લે રિક્ષામાં લઈ જનાર રાશિદ પર શંકા છે અને તેને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.
ચંદ્રભાન માતાપ્રસાદ દુબે સુરતમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા હતા અને ગત ૧૨ તારીખે તેઓ રિક્ષામાં ગયા બાદ ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ આ અંગે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ચંદ્રભાન દુબે છેલ્લે રાશિદ નામના રિક્ષા ચાલક સાથે ગયા હતા અને ત્યારબાદ ઘરે પરત ફર્યા નહોતા. ગુમ થયા બાદ તેમના મોબાઈલ પરથી પરિવારના સભ્યો પાસે ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.
પરિવારના સભ્યોએ રિક્ષા ડ્રાઈવર રાશિદને પૂછતાં તેણે જણાવ્યું હતું કે ચંદ્રભાન ખજોદ ચોકડી પાસે રિક્ષામાંથી ઉતરી ગયા હતા અને ત્યારબાદ તેઓ ક્યાં ગયા તેની તેને કોઈ જાણ નથી. ચંદ્રભાન ગુમ થયાના ચાર દિવસ બાદ તેમની બે ટુકડામાં કોથળામાં ભરેલી લાશ મીઠી ખાડીમાંથી મળી આવી હતી. પોલીસને રિક્ષા ડ્રાઈવર રાશિદ પર શંકા છે, કારણ કે તે પણ ત્યારથી કોઈના સંપર્કમાં નથી. પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે અને રિક્ષા ડ્રાઈવર રાશિદની શોધખોળ ચાલુ છે, જે આ ગુનાનો ભેદ ખોલી શકે છે.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
