તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Sunday, 18th May 2025
રાજપીપળા: બોગસ આવકના દાખલા કૌભાંડની તપાસ તેજ : નર્મદા પોલીસ દ્વારા SITની રચના : ૭૦૦ ડોક્યુમેન્ટની તપાસ શરૂ
આર.ટી.ઈ.ના લાભ માટે બનાવટી દાખલાઓનું મોટું કૌભાંડ : સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા : સાંસદના પ્રશ્નો બાદ પોલીસ એક્શનમાં : દાખલા કઢાવનારા ૧૦૦થી વધુ લોકોની પૂછપરછ

રાજપીપળા: નર્મદા જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન (આર.ટી.ઈ.)નો લાભ મેળવવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ પોલીસ સક્રિય થઈ છે. નાંદોદ તાલુકાની ભદામ, ગામકુવા, ભચરવાડા અને બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. નર્મદાના એ.એસ.પી. લોકેશ યાદવ આ ટીમના અધ્યક્ષ રહેશે, જ્યારે રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે. ગઢવી અને એસ.ઓ.જી. પીઆઈ યોગેશ સિરસાઠને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગઈકાલે સંકલનની બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ કેસ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા હતા, ત્યારબાદ પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં આવી ગઈ છે. સાંસદ વસાવાએ બનાવટી આવકના દાખલા કૌભાંડનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે પોલીસે ફરિયાદ તો નોંધી છે, પરંતુ તપાસ કોઈ રાજકીય દબાણ હેઠળ ધીમી ગતિએ ચાલી રહી છે. ફરિયાદના આટલા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કેમ કરવામાં આવી નથી. ફરાર આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને પકડવામાં વિલંબ થવા પાછળ કોનું રાજકીય દબાણ છે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો. જોકે, સાંસદે મીડિયા સમક્ષ પોલીસ પર આક્ષેપ કર્યા બાદ પોલીસે આ મુદ્દે તપાસ વધુ તેજ કરી છે.
નર્મદા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આ કૌભાંડ સંબંધિત ૭૦૦ જેટલા ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે સુંદરપુરાના જે લોકોએ આ બનાવટી દાખલાઓ કઢાવ્યા છે તેવા ૧૦૦થી વધુ લોકોને રાજપીપળા પોલીસ સ્ટેશન બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને દાખલાઓની ખરાઈ કરવામાં આવી રહી છે. SITના અધ્યક્ષ લોકેશ યાદવે આ અંગે જણાવ્યું હતું કે આ ખોટા દાખલામાં કોઈ પણ વ્યક્તિ સંડોવાયેલ હશે તો તેને છોડવામાં આવશે નહીં. જે લોકોએ આ દાખલા કઢાવ્યા છે અને જેમણે આપ્યા છે, તે ખોટા સાબિત થશે તો બંનેને આરોપી ગણવામાં આવશે અને તેમને જેલ હવાલે કરવામાં આવશે.
પોલીસ તપાસમાં સામે આવેલા આરોપીઓ દ્વારા જિલ્લાની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે, જેની સામે નર્મદા પોલીસે સખત દલીલો કરી છે. હાલમાં કોર્ટમાં આ બાબતની કાર્યવાહી ચાલી રહી છે. વધુમાં એ.એસ.પી. લોકેશ યાદવે જણાવ્યું હતું કે આ ખોટા દસ્તાવેજોના કેસમાં કોઈપણ સરકારી અધિકારી કે ખાનગી એજન્સી સામેલ હશે તો તેમના નામ પણ આરોપી તરીકે નોંધવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ કેસમાં પોલીસ પર કોઈ પણ પ્રકારનું રાજકીય દબાણ નથી અને પોલીસ નિષ્પક્ષ રીતે પોતાની કામગીરી કરી રહી છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
