News of Monday, 19th May 2025
સુરતમાં ભાજપ મહામંત્રી અને મિત્રની હેવાનિયત : યુવતીને કેફી પીણું પીવડાવી હોટલમાં ગેંગરેપ : પાર્ટીમાંથી સસ્પેન્ડ
ડુમ્મસ ફરવા જવાના બહાને બોલાવી : કોલ્ડ ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવી બેભાન કરી : જહાંગીરપુરાની હોટલમાં આચર્યું દુષ્કર્મ : પીડિતાની ફરિયાદ બાદ પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ

સુરત: સુરતમાં ભારતીય જનતા પાર્ટીના (ભાજપ) મહામંત્રી અને તેમના મિત્રએ આચરેલી હેવાનિયતભરી ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. વોર્ડ નંબર-૮ના ભાજપ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેમના મિત્ર ગૌરવસિંહ રાજપૂતે એક યુવતીને ડુમ્મસ ફરવા જવાના બહાને બોલાવી, નશીલું પીણું પીવડાવી બેભાન કરી અને જહાંગીરપુરાની હોટલમાં ગેંગરેપ કર્યો હતો. પીડિતાએ ભાનમાં આવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે ભાજપે આદિત્ય ઉપાધ્યાયને તાત્કાલિક પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ રાજપૂતે યુવતીને ડુમ્મસ ફરવા જવાના બહાને બોલાવી હતી. ત્યારબાદ તેઓ તેને જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયા હતા. ત્યાં તેમણે યુવતીને કોલ્ડ ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવીને પીવડાવી દીધું હતું. જેના કારણે યુવતી બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ બંને આરોપીઓએ યુવતી પર ગેંગરેપ કર્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓ યુવતીને તેના ઘર પાસે મૂકીને ફરાર થઈ ગયા હતા.
જ્યારે યુવતીને ભાન આવ્યું ત્યારે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ભાજપને આ ઘટનાની જાણ થતાં જ તેમણે આદિત્ય ઉપાધ્યાયને મહામંત્રી પદેથી હટાવીને તાત્કાલિક પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
નોંધનીય છે કે, ભૂતકાળમાં પણ ભાજપના અનેક નેતાઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના બનાવો સામે આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ભાજપની છબીને ખરડાવી છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
