News of Wednesday, 21st May 2025
ગુજરાત માટે ગૌરવના સમાચાર : એશિયાટિક સિંહોની સંખ્યા 891 પર પહોંચી : વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સંવર્ધનના પ્રયાસો ફળ્યા : જુઓ વિડિઓ
સિંહોનો વસવાટ વિસ્તાર ગીરથી દીવ અને પીપાવાવ પોર્ટ સુધી વિસ્તર્યો : બરડાના જંગલો બનશે સિંહોનું નવું ઘર : સાંસદ પરિમલભાઈ નથવાણીએ અભિનંદન પાઠવ્યા

અમદાવાદ: ગુજરાત માટે અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર, તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સિંહની વસતિ ગણતરીમાં એશિયાટિક સિંહોની સંખ્યા 891 પર પહોંચી છે, જે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે.
આ અંગે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે કે માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, પહેલાં સિંહ માત્ર સાસણ ગીર, જૂનાગઢ અને ધારીની આસપાસના વિસ્તારોમાં જોવા મળતા હતા, પરંતુ હવે તેમનો વસવાટ વિસ્તાર ખૂબ જ વધ્યો છે અને તેઓ અમરેલી, જાફરાબાદ, દીવ અને પીપાવાવ પોર્ટ સુધી પહોંચ્યા છે. વિશેષરૂપે, પહેલાં માત્ર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહ હવે દરિયાકિનારાના વિસ્તારોમાં પણ વસવાટ કરવા લાગ્યા છે.
પ્રોજેક્ટ લાયન અને બરડાના જંગલો: સિંહોના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ
ગુજરાતમાં સિંહની સંખ્યામાં થયેલા આ વધારા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંવર્ધન પ્રયાસોની ખૂબ જ મોટી ભૂમિકા રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ લાયન ડોક્યુમેન્ટ "લાયન @ 47: વિઝન ફોર અમૃતકાળ" માં જુદા-જુદા 21 લાયન કોરિડોરની ઓળખ કરવામાં આવી છે. આનાથી સિંહોની વધતી જતી વસતિના વ્યવસ્થાપન અને તેની સુરક્ષા સહિતના મુદ્દાઓને કારણે ભવિષ્યમાં પણ ગુજરાતમાં સિંહોની વસતિ ખૂબ જ વધશે તેવી આશા છે. પરિમલભાઈ નથવાણીએ બરડાના જંગલોમાં સિંહોને વસાવીને તેમના માટે નવું ઘર ઊભું કરવાની સરકારની કામગીરીને પણ પ્રશંસનીય ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, પરિમલભાઈ નથવાણી ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય છે, આ ઉપરાંત તેઓ પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન અંગેની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય પણ છે. તેમનું આ નિવેદન સિંહ સંરક્ષણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા અને તેના સકારાત્મક પરિણામોને ઉજાગર કરે છે. આ વધતી જતી સંખ્યા ગુજરાતના વન્યજીવ સંરક્ષણ પ્રયાસોની સફળતાનો જીવંત પુરાવો છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
