News of Wednesday, 21st May 2025
હવે શરતભંગ સહિતની કાયદાકીય મંજૂરી વિના બંધાયેલા મકાનોને કાયદેસરતા અપાશે
મહેસૂલ વિભાગે નોટિફિકેશન જાહેર કયુઁ જમીન મહેસૂલ સુધારા અધિનિયમન-૨૦૨૫નો અમલ ૨૨ મે-૨૦૨૫થી કરાશે

અમદાવાદ તા.૨૧: ગુજરાત વિધાનસભાના તાજેતરના બજેટ સત્રમાં પસાર કરાયેલા ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ને રાજ્યપાલની મંજૂરી બાદ મહેસૂલ વિભાગે આ કાયદાના સુધારાઓને ૨૨ મે, ૨૦૨૫થી અમલમાં મૂકવા અંગેનું નોટીફીકેશન જાહેર કર્યું છે. ગુજરાત સરકારના જુદા જુદા કાયદા હેઠળ શરતભંગ થતો હોવાથી રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોના લોકો ચોક્કસ અવેજ ચૂકવીને મકાન કે સોસાયટીઓમાં વસવાટ કરી રહ્યા છે. આવા બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરી તેને વિનિયમિત કરી આપવા અને તેને કાયદેસરતા આપવાના હેતુ સાથે આ સુધારો કરવામાં આવ્યો હતો. જેનો અમલ હવે શરૂ કરાશે. જોકે, જેમણે સરકારી જમીન પચાવી હોય, સરકારી ખરાબાની જમીન હોય કે સ્થાનિક સત્તામંડળની જમીન પચાવી પાડી હોય અને તેના પર મકાન બાંધીને રહેતા હોય તેવા લોકોને આ સુધારાઓનો લાભ મળશે નહીં.
જે તે સમયે કાયદાની અજ્ઞાનતાને કારણે જરૂરી હોય તેવી લેવાપાત્ર કાયદાકીય મંજૂરી લીધા વિના રહેણાકના બાંધકામો કરવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ લોકો દ્વારા આવા કાયદાકીય મંજૂરી વગરના વગરના મકાનો-બાંધકામો યોગ્ય અવેજ આપીને ખરીદ્યા હતા અને તેનો રહેણાકના હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આથી હવે રાજ્ય સરકારે આવા મકાનોમાં રહેતા નાગરિકોના રહેઠાણને કાયદેસરતા આપવાની જરૂરિયાત અનુભવી હતી. જેને પૂરી કરવા માટે સરકારે આ જમીન મહેસૂલ સુધારા કાયદાની સુધારેલી કલમો-જોગવાઈઓનો અમલ ૨૨ મેથી કરવાનું નક્કી કર્યું છે. જેમણે પોતાની જમીન પર બાંધકામ કર્યું છે, પણ જરૂરી પરવાનગીઓ લેવાનું કોઈને કોઈ કારણોસર ચૂકી ગયા છે, પોતાની જમીનના પ્લોટ પાડીને કોઈએ વેચ્યા, તેના પર પ્લોટલઈને મકાન બનાવ્યું, એ વ્યક્તિને ખ્યાલ નથી કે વેચનારે બિનખેતીની પરવાનગી લીધી નથી કે બીજી નિયમ અનુસારની પરવાનગીઓ લીધી નથી, અજાણતા શરત ભંગ થયો છે. કાયદાની જાણકારીના અભાવે શરત ભંગ થયો છે અથવા તો ઇરાદાપૂર્વક ન થઈ હોય તેવી ભૂલને કારણે તેમને સહન કરવું ન પડે તે આ કાયદાના સુધારાઓના અમલનો મૂળ હેતુ છે.
વિધાનસભા ગળહમાં આ વિધેયકની રજૂઆત વખતે મંત્રીએ જણાવ્યું હતું કે, આ કાયદામાં સુધારાથી નાગરિકોને મિલકતના હક્કો પ્રાપ્ત થશે. વધુ આર્થિક સદ્ધરતા પ્રદાન થશે, રહેણાકની પાયાની જરૂરિયાતના કાયદેસરના હક્કો પ્રાપ્ત થશે. તેમની મિલકતો ઉપર બેંકો દ્વારા અપાતી લોન મેળવી શકાશે. અત્યાર સુધી કુલ ૨૩,૦૦૦થી પણ વધુ મિલકતો આ સુધારા અધિનિયમથી નિયમિત કરી શકાશે અને અંદાજે રૂ. ૩૮૧ કરોડ જેટલી માંડવાળથી અને અન્ય સરકારી ફીની વસૂલાત થઈ શકશે. હાલ આ કાયદાનો લાભ (૧) ગણોત ધારા-૧૯૪૮ની કલમ-૪૩ (૨) ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ -દેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ-૧૯૫૮ની કલમ-૫૭ તથા (૩)જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૭ની કલમ-૬૫ અને કલમ-૬૮ વાળી જમીનોમાં આવેલી મિલક્તોને જ લાભ મળે છે, પરંતુ હવે જમીન મહેસૂલ સુધારા કાયદાના અમલનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકાશે.
સરકારી ખરાબાની જમીન, સ્થાનિક સત્તામંડળની જમીન પચાવીને મકાનો બંધાયા હશે તેમને લાભ નહીં મળે : આ કાયદામાં સુધારાથી નાગરિકોને મિલકતના હક્કો તેમજ રહેણાકની પાયાની જરૂરિયાતના કાયદેસરના હક્ક પ્રાપ્ત થશે
કાયદાના સુધારાના અમલથી કોને-કોને, કયા લાભ મળશે
૧. લોકોની મિલકતોને જમીન મહેસૂલ રેકર્ડ પર લાવી શકાશે.
૨. પ્રજાજનોને બેન્કો પાસેથી સરળતાથી લોન મળી શકશે.
૩. શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી માલિકીની જમીન ખેડૂતોના નામે જ રાખી ગેરકાયદે પ્લોટિંગ કરી કે મકાન બાંધી વેચાણ કર્યું હોય તેવા પ્લોટ કે મકાન ખરીદનાર કાયદેસરનો માલિક છે કે કેમ? તેવી કોઈ સાબિતી તેમની પાસે ન હોવાને કારણે તેમાં રક્ષણ મળશે.
૪. બિનખેતીની પરવાનગી લીધી ન હોય અને પ્લાન પાસ કરાવ્યો ન હોય તો તેને બિનપરવાનગી માટે ગેરકાયદે ન ઠરાવવા માટે રક્ષણ મળશે.
૫. બિનપરવાનગીની મિલકતના માલિકને સલામત અહેસાસ થતો ન હોવાને કારણે તેમાં એક મહેસૂલી રેકર્ડમાં એટલે કે પ્રોપર્ટીકાર્ડ મળવાથી સલામતી મળશે.
૬. આ કાયદા સંબંધિત અર્થઘટનના પ્રશ્નો, લિટિગેશન અને વહીવટી ગૂંચવણો ઘટશે.
આ સુધારાના અમલથી પરિવર્તનીય વિસ્તાર જાહેર કરી શકાશે રાજ્ય સરકાર દ્વારા ૩૦ માર્ચ-૨૦૧૭માં વિધેયક પસાર કરાવાયું હતું. તેના સુધારાને આ
કાયદા-સુધારાથી આગળ વધારાયા છે. તેનાથી ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ હેઠળની સોસાયટીઓને, જ્યાં ગણોતધારાની કલમ ૮૪ (ગ) અથવા કલમ-૧૨૨ હેઠળની કાર્યવાહી ચાલુ હોય, આ કાયદાથી નિયત થયેલી માંડવાળ ફી, પ્રીમિયમની રકમ, અન્ય સરકારી લેણાંની રકમની ભરપાઇ કર્યેથી પરિવર્તનીય વિસ્તાર જાહેર કરી શકાશે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
