<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ભારતીય વાયુસેનાના નવા એર ઓફિસર એર માર્શલ નગેશ કપૂરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી

રાજ્યપાલએ 'ઓપરેશન સિંદૂર'માં વાયુસેનાની વીરતાને બિરદાવી : એર માર્શલ કપૂરને ઉષ્માભરી શુભકામનાઓ પાઠવી

 

 

ગાંધીનગર: ભારતીય વાયુસેનાના સાઉથ-વેસ્ટર્ન એર કમાન્ડના નવનિયુક્ત એર ઓફિસર એર માર્શલ નગેશ કપૂર આજે રાજભવન, ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. રાજ્યપાલશ્રીએ તેમને ઉષ્માભેર આવકાર્યા અને તેમની સફળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ મુલાકાત દરમિયાન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તાજેતરમાં સફળ થયેલા 'ઓપરેશન સિંદૂર' માં ભારતીય વાયુસેનાના જવાનોએ દાખવેલી અદ્વિતીય વીરતા અને અદમ્ય બહાદુરીની ભરપૂર પ્રશંસા કરી હતી.
એર માર્શલ નગેશ કપૂર: એક યશસ્વી કારકિર્દી
એર માર્શલ નગેશ કપૂરે 1લી મે, 2025 થી સાઉથ-વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર તરીકેની જવાબદારી સંભાળી છે. તેમની સરાહનીય સેવાઓના સન્માનમાં તેમને અનેક પદકોથી નવાજવામાં આવ્યા છે. જેમાં વર્ષ-2008માં વાયુસેના પદક, વર્ષ-2022માં અતિ વિશિષ્ટ સેવા પદક અને વર્ષ-2025માં પરમ વિશિષ્ટ સેવા પદક નો સમાવેશ થાય છે.
એર માર્શલ નગેશ કપૂર એક અત્યંત અનુભવી ફાઈટર પાયલટ છે. ભારતીય વાયુસેનામાં તેમની 38 વર્ષની શાનદાર સેવાઓ દરમિયાન, તેમણે 3400 કલાકથી વધુ ઉડ્ડયનનો અનુભવ મેળવ્યો છે. આ સમયગાળામાં તેમણે મિગ-21 અને મિગ-29 જેવા તમામ લડાકુ અને પ્રશિક્ષક વિમાનોનું સફળતાપૂર્વક ઉડ્ડયન કર્યું છે. સાઉથ-વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર તરીકેની જવાબદારી સંભાળતા પહેલા, તેઓ એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, ટ્રેનિંગ કમાન્ડ તરીકે કાર્યરત હતા.
આ મુલાકાત ભારતીય વાયુસેના અને રાજ્ય સરકાર વચ્ચેના મજબૂત સંબંધોને વધુ દૃઢ બનાવે છે, અને રાજ્યની સુરક્ષામાં વાયુસેનાના યોગદાનને રેખાંકિત કરે છે.

(3:51 PM IST)