<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ગુજરાત સરકારનો જળસંચય માટે ઐતિહાસિક નિર્ણય : ધારાસભ્યોની ગ્રાન્ટમાં 'પાણી બચાવો' કામોનો સમાવેશ : વાર્ષિક ₹50 લાખની ફાળવણી!

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણથી પ્રેરિત નિર્ણય : "કેચ ધ રેઈન" અને રેઈન વોટર હાર્વેસ્ટિંગને પ્રાધાન્ય : ગ્રામ તળાવો ઊંડા કરવા માટે પણ જોગવાઈ

 

 

ગાંધીનગર: ગુજરાતમાં જળ સંરક્ષણ અને જળસંચયને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી ધારાસભ્યોની વાર્ષિક ગ્રાન્ટમાંથી કરવામાં આવતા વિવિધ વિકાસકાર્યોની સૂચિમાં 'જળસંચય'ને પણ સત્તાવાર રીતે સમાવી લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત, દરેક ધારાસભ્યને મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી વાર્ષિક ગ્રાન્ટમાંથી ₹50 લાખની લઘુત્તમ રકમ જળસંગ્રહ ક્ષમતા વધારવા, "કેચ ધ રેઈન" દ્વારા ભૂગર્ભ જળસંગ્રહમાં વધારો કરવા અને રેઈન વોટર હાર્વેસ્ટિંગના વિકાસના કામો માટે વાપરવી ફરજિયાત બનશે.
વડાપ્રધાનના 'જળ એ જ જીવન' સૂત્રને સાકાર કરતો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "જળ એ જ જીવન" ના સૂત્રના મહત્વને સમજીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, તેમજ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં, જિલ્લામાં જળસંચયને લગતા વિકાસ કાર્યો વધુ સારી રીતે થઈ શકે તેવા હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે.
વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં સામૂહિક વિકાસના નાના કામો માટે ઉપયોગ કરી શકે તે માટે દરેક ધારાસભ્યને મતવિસ્તાર દીઠ ચોક્કસ વાર્ષિક રકમ ફાળવવામાં આવે છે. વર્ષ 2025-26 થી આ ગ્રાન્ટમાં વધારો કરીને ₹2.50 કરોડ કરવામાં આવ્યો છે, અને તેમાં હવે "જળસંચય" ના કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
₹5 લાખની મર્યાદા અને વ્યાપક કામગીરી
જળસંચયના સૂચવાયેલા વિકાસ કાર્યોમાં એક કામ માટે ₹5 લાખની નાણાકીય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, ગામ તળાવો અને સીમ તળાવોને ઊંડા અને છીદ્રાળુ કરવાની કામગીરીમાં લોકફાળા પેટે જરૂરી રકમ સામે ખૂટતી રકમ ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી 10 ટકાની મર્યાદામાં ફાળવી શકાશે.
ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી સૂચવી શકે તેવા જળસંચયના કામોની અદ્યતન સૂચિમાં નીચેના કાર્યોનો સમાવેશ થાય છે:
 * ગામના તળાવોને ઊંડા કરવા અને તળાવમાં પાણી ભરવા માટેના વોકળા, ગટર, નાળીયા ઊંડા ઉતારવા.
 * સિંચાઈના કામો અને ચેકડેમના કામો.
 * સરકારી બિલ્ડીંગ ઉપર વરસાદી પાણીના સંગ્રહ માટે વોટર હાર્વેસ્ટિંગને લગતા કામો.
 * ગામના પીવાના પાણીના કુવા ઊંડા ઉતારવા, બાંધવા તથા પાણીનો પીવા માટે ઉપયોગ કરવાલક્ષી સુધારણાના કામો.
 * કૂવા રીચાર્જિંગના કામો.
 * દુષ્કાળ સમયે શરૂ થયેલ પીવાના પાણીના તળાવોને સેઈફ સ્ટેજ પર લાવવા.
 * પાણીની ટાંકીના નવા કામો.
 * વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે વોટર રીચાર્જ સ્ટ્રક્ચરને લગતા કામો.
 * ભૂગર્ભ જળસંગ્રહના સ્ટ્રક્ચરને લગતા કામો જેવા કે ભુગર્ભ ટાંકી અને તેને લગતી આનુષાંગિક કામગીરી.
 * WTP/STP ના રીપેરીંગ તેમજ તેને લગત આનુષાંગિક કામગીરી.
 * સ્ટોર્મ વોટર ડ્રેઈનના કામો.
 * તળાવના પાળાં અને વેસ્ટ વિયરના મજબૂતીકરણના કામો.
 * ચેકડેમ રીપેરીંગ, ચેકવોલ તથા નહેરોની મરામતની કામગીરી.
આ નિર્ણય રાજ્યમાં જળસ્તરને ઊંચું લાવવામાં અને જળસુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.

(4:51 PM IST)