<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

દાહોદમાં ધોરણ-1ની બાળકી સાથે દુષ્કર્મ-હત્યા પ્રયાસ કેસ : શાળાના આચાર્યને 10 વર્ષની સજા અને ₹2 લાખનો દંડ

POCSO અને હત્યાની કલમો સાબિત ન થતા પોલીસ તપાસ અને ચાર્જશીટ પર સવાલ : આરોપીના વકીલે રાજકીય કિન્નાખોરીનો લગાવ્યો આરોપ

દાહોદ: દાહોદ જિલ્લામાં એક સનસનાટીભર્યા કિસ્સામાં, ધોરણ-1ની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ અને હત્યાના કેસમાં લીમખેડા સેશન્સ કોર્ટે શાળાના આચાર્યને સજા ફટકારી છે. આચાર્ય ગોવિંદ નટને બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યાના મામલે ગંભીર બેદરકારી બદલ 10 વર્ષની સજા અને ₹2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પોલીસ તપાસ અને POCSO/હત્યાની કલમો પર સવાલ
મળતી માહિતી મુજબ, આ ઘટના સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળામાં બની હતી, જ્યાં શાળાના આચાર્ય ગોવિંદ નટ પર 6 વર્ષીય વિદ્યાર્થિની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી તેની હત્યા કરવાનો આરોપ હતો. જોકે, કોર્ટના ચુકાદાએ પોલીસ તપાસ અને ચાર્જશીટ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
કેસમાં POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) એક્ટ અને હત્યાની કલમ (IPC 302) નો ચાર્જશીટમાં સમાવેશ હોવા છતાં, કોર્ટમાં તે સાબિત થઈ શક્યું નહીં. આ કારણે, આરોપીને POCSO અને હત્યાના મામલે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. કોર્ટે આચાર્યને બાળકીના મૃત્યુ પાછળની ગંભીર બેદરકારી માટે દોષિત ઠેરવ્યો છે અને તેમને IPCની જૂની કલમ 304-બી હેઠળ સજા ફટકારી છે.
આરોપી પક્ષના વકીલે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ આખો કેસ રાજકીય કિન્નાખોરી રાખીને પોલીસે ઉપજાવી કાઢ્યો હતો અને ગોવિંદ નટ વિરુદ્ધ બળાત્કાર કે હત્યાનો ગુનો પોલીસ કોર્ટમાં સાબિત કરી શકી નથી.
આ ચુકાદો પોલીસની તપાસની રીત અને ચાર્જશીટની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે, ખાસ કરીને બાળકો સામેના સંવેદનશીલ ગુનાઓમાં.

(4:53 PM IST)