સફાઈ કામદારોના તેજસ્વી બાળકો માટે ખુશખબર : ધો.10-12માં પ્રથમ ત્રણ ક્રમે આવનારને ₹41,000 સુધીના ઇનામથી પ્રોત્સાહિત કરાશે!
યોજનાનો લાભ લેવા માટે 30 જૂન સુધી ઓનલાઈન અરજી કરો : વાર્ષિક આવક મર્યાદા લાગુ નહીં

જામનગર: ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિત બાળકોના ઉજ્જવળ ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ, વર્ષ 2025માં ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવશે.
ધો.10 અને ધો.12ના તેજસ્વીઓને આકર્ષક ઇનામ
આ યોજના અંતર્ગત ઇનામની રકમ નીચે મુજબ રહેશે:
* ધોરણ-10માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે:
* પ્રથમ ક્રમે આવનારને: ₹41,000
* બીજા ક્રમે આવનારને: ₹21,000
* ત્રીજા ક્રમે આવનારને: ₹11,000
* ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે:
* પ્રથમ ક્રમે આવનારને: ₹31,000
* બીજા ક્રમે આવનારને: ₹21,000
* ત્રીજા ક્રમે આવનારને: ₹11,000
આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે, વાર્ષિક આવક મર્યાદાનું કોઈ ધોરણ રાખવામાં આવેલ નથી, જેથી વધુમાં વધુ બાળકો આ લાભ લઈ શકે.
અરજી પ્રક્રિયા અને સંપર્ક
આ યોજનાનો લાભ લેવા માટે, સફાઈ કામદારના આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અને વર્ષ 2025ની માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે. માર્ચ/એપ્રિલ-2025માં લેવામાં આવેલ એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે.
અરજી માટે, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર તા.30/06/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
વધુ માહિતી અને સહાય માટે, જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, જિલ્લા સેવા સદન-4, રૂમ નં.11/12, વિકટોરીયા પુલ પાસે, જામનગરનો સંપર્ક કરવા માટે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણના જિલ્લા મેનેજર, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ યોજના સફાઈ કામદાર પરિવારોના બાળકોને શિક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે પ્રેરણા પૂરી પાડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
