News of Wednesday, 21st May 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખેડૂતલક્ષી નિર્ણય : ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને 30 જૂન સુધીમાં 30,689 MCFT નર્મદાનું પાણી મળશે!
950થી વધુ તળાવો, 1820 ચેકડેમ ભરાશે : 60 હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉનાળાની ઋતુમાં ખેતી અને પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે વધુ એક જનહિતકારી નિર્ણય લીધો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને અગ્રણીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને, તેમણે તા. 30 જૂન, 2025 સુધીમાં 30,689 MCFT નર્મદાનું પાણી આ વિસ્તારોને ફાળવવાનો સંવેદનાત્મક નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી પાકનું બહોળા પ્રમાણમાં વાવેતર થઈ શકશે અને પીવાના પાણીની સમસ્યા પણ હળવી થશે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને કેટલું પાણી?
મુખ્યમંત્રીના નિર્ણય મુજબ, નર્મદાનું પાણી નીચે મુજબ વિતરણ કરાશે:
* ઉત્તર ગુજરાત: 14,539 MCFT પાણી
* સૌરાષ્ટ્ર: 16,150 MCFT પાણી
સિંચાઈ અને પીવાના પાણી માટે વ્યાપક ઉપયોગ
આ નર્મદા જળનો ઉપયોગ મુખ્યત્વે સિંચાઈ અને પીવાના હેતુસર કરવામાં આવશે.
* ઉત્તર ગુજરાત: નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્ધવહન પાઇપલાઇન મારફતે 950થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલથી પાણી પહોંચાડવામાં આવશે.
* સૌરાષ્ટ્ર: સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1,820 ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ 60 હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે. આ પહેલથી ઉનાળુ પાકનું ઉત્પાદન વધશે અને ખેડૂતોને આર્થિક રીતે પણ ફાયદો થશે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
