<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં હોન્ડાનો ઐતિહાસિક કિર્તીમાન : વિઠલાપુરમાં 50 કરોડમી મોટરસાઇકલનું ઉત્પાદન!

ગુજરાત બન્યું ઓટોમોબાઈલ હબ : 2027 સુધીમાં વિઠલાપુર પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો ટુ-વ્હીલર ઉત્પાદક બનશે : ગુજરાત પોલીસને 50 મોટરસાઇકલ અર્પણ કરાઈ

 

 

વિઠલાપુર, અમદાવાદ: ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કુટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે વૈશ્વિક સ્તરે 50 કરોડ મોટરસાઇકલના ઉત્પાદન અને ભારતમાં 7 કરોડ યુનિટ ટુ-વ્હીલરના ઉત્પાદનની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરી. આ પ્રસંગે ચોથી પ્રોડક્શન લાઇનનો પણ શુભારંભ કરવામાં આવ્યો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ હોન્ડા મોટરસાઇકલ કંપનીને અભિનંદન પાઠવ્યા. તેમણે 'ઓપરેશન સિંદૂર'ની ભવ્ય સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય સેનાના જવાનોને પણ બિરદાવ્યા હતા.
ગુજરાત ઓટોમોબાઈલ હબ બન્યું: મોદીભાઈની વિઝનરી લીડરશીપ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, બે-અઢી દાયકા પહેલાં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રની કોઈ ચર્ચા નહોતી. પરંતુ 2001માં નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી તે પછી રાજ્યમાં તમામ ક્ષેત્રોની જેમ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પણ એક મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવી છે. તેમણે કહ્યું કે, "એક સમયે આ વિસ્તારમાં જ્યાં વિકાસની કોઈ સંભાવના નહોતી, એવો આ માંડલ-બેચરાજી-વિઠલાપુરનો વિસ્તાર આજે ઓટોમોબાઈલ હબ બન્યો છે. તેના મૂળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ છે."
ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'મેક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડ' સૂત્રને યાદ કરીને કહ્યું કે, આ સૂત્ર દ્વારા ભારતે આજે ગ્લોબલ ઇકોનોમીમાં મજબૂત ભાગીદારી બનાવી છે, અને માંડલ-બેચરાજી-વિઠલાપુરના ઓટો હબના ઉદ્યોગો આ સૂત્રને સાકાર કરી રહ્યા છે.
GEP-ગ્રોસ એમ્પાવરમેન્ટ ઓફ પીપલ પર ભાર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાત દોહરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ની સાથે G.E.P - ગ્રોસ એમ્પાવરમેન્ટ ઓફ પીપલ આધારિત વિકાસ જરૂરી છે, અને તેના માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત આજે મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર અને ગ્રીન હાઇડ્રોજન સહિત ઇ-મોબિલિટી જેવા ઉભરતા ક્ષેત્રોનું હબ બની રહ્યું છે. આના કારણે રોજગાર સર્જન અને અન્ય નાના-મોટા ઉદ્યોગોના વિકાસથી GEPની નેમ પાર પડશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટની પ્રથમ શ્રેણીથી જ જાપાન ગુજરાતના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. તેમણે બદલાતા પર્યાવરણીય પરિપ્રેક્ષ્યમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂકીને ઝીરો કાર્બન ઉત્સર્જનના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સંકલ્પમાં જોડાવાની સૌને અપીલ કરી હતી.
હોન્ડાનો વિઠલાપુર પ્લાન્ટ બનશે વિશ્વનો સૌથી મોટો: 1800 નવી નોકરીઓનું સર્જન
હોન્ડા કંપનીના પ્રેસિડન્ટ અને સીઈઓ ત્સુત્સુમુ ઓતાનીએ વિઠલાપુર ખાતેના હોન્ડા મોટરસાઇકલના પ્લાન્ટની ચોથી પ્રોડક્શન લાઇનના પ્રારંભની જાહેરાત કરતાં કહ્યું કે, 6.50 લાખ યુનિટની ઉત્પાદનક્ષમતા ધરાવતી આ નવી પ્રોડક્શનલાઇન વર્ષ-2027 સુધીમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત થઈ જશે. પરિણામે, વિઠલાપુર પ્લાન્ટની કુલ ક્ષમતા 26.10 લાખ યુનિટની થતાં આ પ્લાન્ટ વિશ્વનો સૌથી વધુ ઉત્પાદન કરતો પ્લાન્ટ બની જશે. એટલું જ નહીં, આનાથી 1800 જેટલી નવી રોજગારીનું પણ સર્જન થશે. તેમણે એમ પણ કહ્યું કે સંસ્થા કાર્બન ન્યૂટ્રાલિટી વધારવા પર અને અકસ્માતની સંખ્યા ઘટાડવાની તકનીકો પર પણ કંપની કામ કરી રહી છે.
હોન્ડા મોટરસાઇકલના એક્ઝિક્યુટિવ ઓફિસર મિનોરુ કાતોએ કંપનીના પ્રારંભથી અત્યાર સુધીની યાત્રા વિશે માહિતી આપી જણાવ્યું કે, વર્ષ-1948માં શરૂ થયા બાદ હોન્ડા કંપની હાલ 23 દેશોમાં ઉત્પાદન કરી રહી છે. વર્ષ-1984થી ભારતમાં કાર્યરત થયા બાદ હાલ કુલ ચાર મુખ્ય પ્લાન્ટ છે. તેમણે કહ્યું કે આજે વૈશ્વિક સ્તરે 50 કરોડ મોટરસાઇકલના ઉત્પાદનનું સીમાચિહ્ન પ્રાપ્ત કરવામાં ભારતના વપરાશકારોનો ફાળો મહત્ત્વનો છે.
ગુજરાત પોલીસને 50 મોટરસાઇકલ અર્પણ
હોન્ડા કંપની દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે ગુજરાત પોલીસને CB-350 મોડલની 50 QRT મોટરસાયકલ પણ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટભાઈ સહિત કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(2:40 PM IST)