<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઊછાળો: એક જ દિવસમાં ૨૧ નવા કેસ: કુલ કેસ ૩૪ થયા

અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કેસ નોંધાતા ચિંતા વધી: તમામ કેસ ઓમિક્રોન વેરિયન્ટના, નવા હોંગકોંગ વેરિયન્ટનો એક પણ કેસ નહીં.

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. બુધવાર સુધી રાજ્યમાં ૧૩ કેસ નોંધાયા હતા, જ્યારે આજે એક જ દિવસમાં કોરોનાના ૨૧ નવા કેસ સામે આવતા કુલ આંકડો ૩૪ પર પહોંચી ગયો છે. આ વધારો આરોગ્ય તંત્ર માટે ફરી એકવાર સાવચેતીનો સંકેત આપી રહ્યો છે.

નોંધાયેલા કુલ ૩૪ કેસ પૈકી, મોટાભાગના કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તાર માંથી જ છે, જ્યાં ૩૨ કેસ નોંધાયા છે. આ ઉપરાંત, અમદાવાદ ગ્રામ્યમાં ૧ કેસ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ ૧ કેસ સામે આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી સક્રિય બન્યું છે.

રાહતની વાત એ છે કે નોંધાયેલા તમામ ૩૪ કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે. હોંગકોંગમાં દેખાયેલા નવા વેરિયન્ટનો ગુજરાતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી, જે એક સકારાત્મક સંકેત છે.

જોકે, કેસોમાં થયેલો આ એકાએક વધારો લોકોને સાવચેતી રાખવા અને કોવિડ ૧૯ પ્રોટોકોલનું પાલન કરવા માટે પ્રેરિત કરે છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે

કોરોના વાયરસ ફરી એકવાર દેશ અને વિદેશમાં પોતાનો પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વખતે કોવિડ-૧૯ના નવા વેરિઅન્ટ JN.1 ના ઘણા કેસ નોંધાયા છે, જે ભારતના ઘણા રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે.

ભારતીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર ૧૯ મે સુધી અપલોડ કરાયેલા ડેટા અનુસાર, દેશમાં કોરોનાના કુલ ૨૫૭ સક્રિય કેસ છે, જેમાંથી ૧૬૪ નવા કેસ છે. આ કેસોમાં કેરળ સૌથી આગળ છે, જ્યાં ૯૫ સક્રિય કેસ નોંધાયા છે. ત્યારબાદ તમિલનાડુમાં ૬૬ અને મહારાષ્ટ્રમાં ૫૬ કેસ જોવા મળ્યા છે. સરકારી આંકડા મુજબ, હાલમાં દેશના ૧૧ રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસ છે

(7:38 PM IST)