News of Thursday, 22nd May 2025
મહારાષ્ટ્ર-તમિલનાડુ બાદ હવે ગુજરાતમાં કોરોના વાયરસે ડોકું તાણ્યું :ગભરાવાને બદલે સાવધ રહો
ગુજરાતમાં કોરોના સંક્રમણના 15 નવા કેસ નોંધાયા: રાજ્યમાં હાલમાં કોવિડ-19ના JN1 વેરિઅન્ટના 15 દર્દીઓની ઘેર જ સારવાર

અમદાવાદ :ગુજરાતમાં કોવિડ-19ના 15 નવા કેસ નોંધાયા છે, જેમાં ઓમિક્રોનનો BA.2.86 વેરિયેન્ટ જોવા મળ્યો છે. અધિકારીઓએ જનતાને સતર્ક રહેવાની અને ભયભીત ન થવાની અપીલ કરી છે. કોરોનાના નવા વેરિયેન્ટને લઇ ગુજરાત સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને આરોગ્ય તંત્રને એલર્ટ મોડમાં છે.
લાંબા સમય બાદ ગુજરાતમાં કોરોના સંક્રમણના 15 નવા કેસ નોંધાયા છે. તમામ દર્દીઓમાં ઓમિક્રોન JN.1 વેરિઅન્ટ હોવાનું જાણવા મળ્યું છે, જેને આરોગ્ય નિષ્ણાતો ઓછા ગંભીર સ્વરૂપ માને છે. અધિકારીઓએ લોકોને ગભરાવાને બદલે સાવધ રહેવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે એશિયન દેશો સિંગાપોર અને હોંગકોંગમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થયો છે. ત્યારબાદ એશિયાના અન્ય દેશોમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં હાલમાં કોવિડ-19ના JN1 વેરિઅન્ટના 15 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
અમદાવાદ શહેરમાં 13 દર્દીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે, અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટમાં એક-એક દર્દી છે. બધા દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે, જોકે કોઈની હાલત ગંભીર નથી. કોરોના સંક્રમિત વ્યક્તિઓમાંથી એક તાજેતરમાં સિંગાપોરથી પાછો ફર્યો હતો અને એવું માનવામાં આવે છે કે કોરોના સંક્રમિત ત્યાંથી થયો છે. તાજેતરના અઠવાડિયામાં ચીન, થાઈલેન્ડ અને સિંગાપોર જેવા દેશોમાં કોવિડના હજારો નવા કેસ નોંધાયા છે અને આંતરરાષ્ટ્રીય મુસાફરીને કારણે ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
તમામ 15 દર્દીઓની ઘરે સારવાર કરવામાં આવી રહી છે અને કોઈને પણ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. રાજ્યની હોસ્પિટલોમાં ખાસ કોવિડ વોર્ડ તૈયાર છે, પરંતુ હાલમાં તેમને સક્રિય કરવાની કોઈ જરૂર નથી.
આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળે અને જો તેમને ખાંસી કે શરદીના લક્ષણો હોય તો જરૂરી સાવચેતી રાખે...આ સમય ગભરાવાની જરૂર નથી, પણ સાવધાની રાખવાની જરૂર છે. રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને આરોગ્ય તંત્રને સતર્ક રાખવામાં આવ્યું છે.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
