<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

ગોધરામાં ખાણ ખનીજના અધિકારીઓ પર હુમલો

૪ ખનન માફિયાઓ સામે નોંધાવી ફરિયાદઃબાતમીના આધારે અધિકારીઓની ટીમ બે વાહનોમાં સ્થળ પર તપાસ માટે પહોંચી હતી

ગોધરા,તા.૨૪

ગોધરા તાલુકાના રણછોડપુરા ગામે ગેરકાયદે રેતી ખનનની તપાસ દરમિયાન ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો થયો છે. અધિકારી રાજીવકુમાર રાઠોડને બાતમી મળી હતી કે રણછોડપુરા અને ઉજડીયાના મુવાડા વિસ્તારમાં કુણ નદીના પટમાં અવૈધ રેતી ખનન થઈ રહ્યું છે. બાતમીના આધારે અધિકારીઓની ટીમ બે વાહનોમાં સ્થળ પર તપાસ માટે પહોંચી હતી. તપાસ દરમિયાન કોઈ મશીનરી કે અવૈધ ખનન જોવા ન મળતાં તેઓ પરત ફરી રહ્યા હતા. આ સમયે રણછોડપુરા ગામે ત્રણથી ચાર વ્યક્તિઓએ તેમની ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો.

હુમલામાં સરકારી વાહન નંબર GJ 06 DB 6738નો પાછળનો કાચ તૂટી ગયો હતો. રાજીવકુમાર રાઠોડના જમણા હાથના કાંડા પર ઈજા થઈ હતી. આરોપીઓએ અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે જીગ્નેશ મહેન્દ્ર પરમાર, વિક્રમસિંહ પ્રતાપસિંહ પરમાર, રાહુલ રતન રાઠોડ અને નિતિન બાબુભાઈ પરમાર સામે ફરિયાદ નોંધી છે. આ ચારેય આરોપીઓ સામે સરકારી કામગીરીમાં રૃકાવટ નાખવા અને હુમલો કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે.

(9:32 PM IST)