<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

ખેડૂતોને પાક ખર્ચ માટે વીઘે ₹૧૦,૦૦૦ અથવા એકરે ₹૧૫,૦૦૦ આપવા PMને રજૂઆત

રાજકોટ: ગુજરાતના ખેડૂતો વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કચ્છ આગમન નિમિત્તે તેમને ખેતી ખર્ચ માટે તાત્કાલિક સહાય આપવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે, જ્યાં સુધી નવી કૃષિ નીતિ ન બને ત્યાં સુધી સરકાર દ્વારા ખેડૂતોને વીઘા દીઠ ₹૧૦,૦૦૦ અથવા એકર દીઠ ₹૧૫,૦૦૦ આપવામાં આવે.

 

 

રજૂઆતમાં ખેડૂતોની વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો કુદરતી અને માનવસર્જિત આફતોનો ભોગ બની રહ્યા છે. મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, ડીઝલ અને મજૂરી ખર્ચને કારણે વીઘા દીઠ ₹૨૫,૦૦૦ જેટલો ખર્ચ થાય છે, જેની સામે ખેડૂતોને પૂરતો નફો મળતો નથી અને તેઓ ખોટનો સામનો કરી રહ્યા છે.

 

 

ગુજરાતના ખેડૂતોને અન્ય રાજ્યોની જેમ દેવા નાબૂદી, સમયસર પાક નુકસાનનું વળતર કે પોષણક્ષમ ભાવ મળતા નથી તેવી પણ રજૂઆતમાં ફરિયાદ કરાઈ છે. તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતોને વાર્ષિક મદદ અને પાંચ કિલોમીટરે ખરીદી કેન્દ્રો સ્થાપવાના મોડેલનો ઉલ્લેખ કરીને ગુજરાતમાં પણ આવી વ્યવસ્થા લાગુ કરવાની માગ કરવામાં આવી છે.

 

 

ખરીફ સીઝનના વાવેતર ખર્ચને પહોંચી વળવા માટે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં જ આ સહાય ચૂકવવામાં આવે તેવી તાકીદની માગણી કરવામાં આવી છે. વડાપ્રધાન ફસલ વીમા યોજના હેઠળ વીમા કંપનીઓ દ્વારા પૂરતા નાણાં ન ચૂકવાયા હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.

 

 

આ રજૂઆત સહદેવસિંહ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ સરવૈયા, ભરતસિંહ ઝાલા, નાગજીભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ ઝાલા, ભુપતભાઈ પટેલ, ભરતસિંહ વાળા અને પ્રવીણભાઈ પડારીયા સહિતના ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવી છે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પણ આ રજૂઆતની નકલ મોકલી, વડાપ્રધાન સુધી વાત પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે.

(11:32 AM IST)