News of Wednesday, 28th May 2025
ચોમાસા પહેલા જ ગુજરાતના દરિયાકાંઠે મેઘક્રોધ : દ્વારકાથી દમણ સુધી દરિયો બન્યો ગાંડોતુર : ૨૫ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા!
ગોમતી ઘાટ અને નમો પથ બન્યા આકર્ષણનું કેન્દ્ર : પ્રવાસીઓ ઉમટ્યા, પણ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના : પરિસ્થિતિ પર તંત્રની બાજ નજર

જામનગર : રાજ્યમાં ચોમાસું બેસવાની તૈયારીમાં છે, તેવામાં દ્વારકાથી લઈ દમણ સુધીના ગુજરાતના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં દ્વારકા અને દમણના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જે આકરા તાપ વચ્ચે પ્રવાસીઓ માટે આહલાદક નજારો બની રહ્યા છે, પરંતુ માછીમારો માટે ચેતવણીરૂપ છે.
દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો, ગોમતી ઘાટ પર પ્રવાસીઓનો ઘસારો
દ્વારકાના અરબી સમુદ્રમાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગોમતી ઘાટ પર ૧૫ થી ૨૦ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, અમુક જગ્યાએ તો ૨૫ ફૂટ સુધીના મોજા પણ નોંધાયા છે. દરિયાનું આ રૌદ્ર સ્વરૂપ જોવા માટે લોકપ્રિય ગોમતી ઘાટ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા છે.
શક્તિશાળી પવનોને કારણે "ગાંડોતુર" બનેલો દરિયો ઉછળી રહ્યો છે, અને ખાસ કરીને ગોમતી નદીથી ભડકેશ્વર મહાદેવ મંદિર સુધીનો દરિયા કિનારો હાલ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દરિયામાં કરંટ હોવાથી હાલમાં ન્હાવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, છતાં ઉછળતા મોજામાં સહેલાણીઓ ભીંજાઈને ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે. આકરા તાપમાં દરિયાની ઠંડક લેવા ગોમતી ઘાટ પર સહેલાણીઓનું ઘોડાપુર જોવા મળ્યું છે, જેમાં ભડકેશ્વર મહાદેવ મંદિર જે દરિયાની વચ્ચે આવેલું છે, ત્યાં વધુ સંખ્યામાં સહેલાણીઓ મજા માણતા જોવા મળ્યા છે.
દમણનો દરિયો પણ તોફાની, નમો પથ પર પાણી ફરી વળ્યા
વાવાઝોડાની આગાહી વચ્ચે ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં કરંટ જોવા મળ્યો છે અને દમણનો દરિયો પણ તોફાની બન્યો છે. અહીં પણ ૧૨ થી ૧૫ ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળી રહ્યા છે. નમો પથ પર દરિયાના પાણી ફરી વળ્યા છે, જે તોફાની દરિયાનો આહલાદક નજારો પૂરો પાડી રહ્યા છે. મોટી સંખ્યામાં સહેલાણીઓ દમણ ઉમટ્યા છે, જેઓ વરસાદી વાતાવરણ વચ્ચે તોફાની દરિયાની મજા માણી રહ્યા છે.
માછીમારો માટે ચેતવણી અને તંત્રની સતર્કતા
હવામાન વિભાગ અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા માછીમારોને પ્રવર્તમાન વિકટ પરિસ્થિતિઓ અને તીવ્ર કરંટને કારણે દરિયામાં ન જવાની સખત સૂચનાઓ આપવામાં આવી છે. દમણ પ્રશાસન દ્વારા પણ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે. દ્વારકાના દરિયાકિનારે અરબી સમુદ્રની શક્તિશાળી ઉછાળ ચાલુ રહેતાં પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
