<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

અમદાવાદમાં મધરાતે વરસાદે બઘડાટી બોલાવી: ઠેર ઠેર પાણી ભરાયું, હવામાન વિભાગે આપી ભારે પવનની ચેતવણી

અમદાવાદ: શહેરમાં બુધવારે મોડી રાતે અઢીથી ત્રણ વાગ્યાની આસપાસ વીજળીના ચમકારા સાથે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ અણધાર્યા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં ધડબડાટી મચાવી દીધી, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું અને વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો.

બાપુનગરના અજિત મિલ ચાર રસ્તા અને અમદુપુરાના વોરાના રોઝા નજીક ઘૂંટણસમું પાણી ભરાયું હતું. આ ઉપરાંત, એસ.જી. હાઈવે, જુહાપુરા-સરખેજ, વટવા, ઘોડાસર, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, શાહીબાગ, ઈન્કમટેક્સ, નવરંગપુરા, મણિનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદે જનજીવનને અસર કરી હતી.

 રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે. નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂરી તૈયારી કરવા અપીલ કરવામાં આવી છે. આ અચાનક વરસાદ અને પવનની આગાહીથી શહેરવાસીઓમાં ચિંતાનું વાતાવરણ છે, જ્યારે બીજી તરફ ગરમીમાંથી રાહત પણ મળી છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી નિકાલની વ્યવસ્થા મજબૂત કરવા અને નીચાણવાળા વિસ્તારોમાં વધુ ધ્યાન આપવા નાગરિકો દ્વારા માગ કરવામાં આવી રહી છે.

(9:24 AM IST)