News of Friday, 30th May 2025
ખેડામાં સામાન્ય બાબતે બે પરિવાર વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી, યુવકની કરાઈ હત્યા
રાજ્યમાં નાની નાની બાબતે હત્યાની ઘટનાઓઃઆ સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસ દ્વારા પિતા મુકેશ પટેલ તેમજ પુત્ર ભદ્રેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

ખેડા,તા.૩૦
રાજ્યમાં નાની નાની બાબતે હત્યાની ઘટનાઓ બની જવી હવે જાણે કે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, એક તરફ સરકાર કહી રહી છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય છે પણ વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ હોય તેવું રાજ્યમાં બનતી હત્યાની ઘટનાઓ પરથી લાગી રહ્યું છે. ત્યારે ખેડા જિલ્લાના ચાંદાણા ગામે પણ હત્યાની એક ઘટના સામે આવી છે. સામાન્ય પાણી ઢોળવા બાબતે બે પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ ગઈ હતી.
આ સામાન્ય તકરાર બાદ બંને પરિવારો સામ સામે આવી ગયા હતા અને આ મારામારીની ઘટનામાં મુકેશ પટેલે લોખંડની પાઈપ સુનિલ પટેલના માથામાં મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આમ, મારામારીની ઘટના હત્યામાં ફેરવાઈ હતી. ત્યારબાદ હેતલબેન અને રંજનબેન પટેલને હાથે તેમજ પગે લાકડાના ફટકા મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. 'તમે ફળિયામાં પાણી કેમ ઢોળો છો' તેવું કહેતા ઉગ્ર બોલા ચાલી થઈ હતી. સુનિલ પટેલના માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.
ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે આ સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસ દ્વારા પિતા મુકેશ પટેલ તેમજ પુત્ર ભદ્રેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
