News of Saturday, 31st May 2025
રાજ્યના ૧૩ હજારથી વધુ પાસ વિદ્યાર્થી પરિણામ સુધારવા પૂરક પરીક્ષા આપશે
શિક્ષણ બોર્ડની પૂરક પરીક્ષા માટે રાજ્યના ૧.૯૭ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા : ધોરણ-૧૨ સાયન્સના ૧૦ હજારથી વધુ પાસ વિદ્યાર્થી અને ધોરણ-૧૦માં પણ ૨ હજારથી વધુ પાસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે

અમદાવાદ તા.૩૧: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૩ જૂનથી ધોરણ-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા લેવાશે. પૂરક પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૧.૯૭ લાખ વિદ્યાર્થી નોંધાયા છે. જેમાંથી ૧૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હોવા છતાં પરિણામ સુધારવા માટે ફરી પરીક્ષા આપશે. પાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી સૌથી વધુ ધોરણ-૧૨ સાયન્સમાં ૧૦ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળે છે. જ્યારે નાપાસ થયેલા ૧.૮૪ લાખ વિદ્યાર્થીઓ પોતાનું વર્ષ બચાવવા માટે પૂરક પરીક્ષા આપશે. આ વખતે પ્રથમ વખત ધોરણ-૧૦ અને ૧૨માં ગમે તેટલા વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે તેવો નિર્ણય લેવાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યાર સુધી ધોરણ-૧૨ સાયન્સમાં ગમે તેટલા વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે તેવી જોગવાઈ હતી. આ ઉપરાંત ધોરણ-૧૨ સાયન્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે તેવી પણ જોગવાઈ હતી. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ગમે તેટલા વિષયમાં નાપાસ વિદ્યાર્થી પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકે તેવો નિર્ણય કરાયો હતો. આ સાથે બોર્ડની પરીક્ષા પણ બેસ્ટ ઓફ ટુ થીમ પર યોજવાનું નક્કી કર્યું હતું. જેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા પૂરક પરીક્ષા આપી શકે તેવી જોગવાઈ કરવામાં આવી હતી.
દરમિયાન, તાજેતરમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨નું પરિણામ જાહેર કરાયા બાદ પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં ધોરણ-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા ૨૩ જૂનથી શરૂ થશે અને ૩ જુલાઈના રોજ પૂર્ણ થશે. આ વખતે પૂરક પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૧૯૭૪૧૩ વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે. જેમાં ૧૮૪૧૯૮ જેટલા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પોતાનું અમૂલ્ય વર્ષ બચાવવા માટે પૂરક પરીક્ષા આપશે. આ ઉપરાંત ૧૩૨૧૫ જેટલા પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પોતાનું પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થશે.
ધોરણ-૧૨ સાયન્સના સૌથી વધુ પાસ થયેલા ૧૦૮૮૪ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. જ્યારે ૧૯૨૪૩ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ સાથે સાયન્સના કુલ ૩૦૧૨૭ વિદ્યાર્થી પૂરક પરીક્ષા માટે નોંધાયા છે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૭૧ પાસ થયેલા વિદ્યાર્થીઓ અને ૪૧૦૮૨ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ સાથે કુલ ૪૧૨૫૩ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. જ્યારે ધોરણ-૧૦ની વાત કરીએ તો, ધોરણ-૧૦ના કુલ ૧૨૬૦૩૩ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે નોંધાયા છે. જેમાંથી ૨૧૬૦ પાસ થયેલા વિદ્યાર્થીઓ છે અને ૧૨૩૮૭૩ નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમ, આ વખતે પૂરક પરીક્ષા માટે નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓ પૈકી અંદાજે ૭ ટકા જેટલા પાસ થયેલા વિદ્યાર્થીઓ નોંધાયા છે.(૩૮.૧૧ )
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
