<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

પાદરામાં કમકમાટીભરી ઘટના : રસ્તા પર પડેલું વૃક્ષ હટાવતા આધેડને વીજ કરંટ લાગતાં કરૂણ મોત!

મોભા રોડ ગામે 55 વર્ષીય નારસિંહ મહિડાનો જીવ ગયો : પરિવારમાં શોકનો માહોલ : તંત્ર દ્વારા વીજ સુરક્ષા અંગે જાગૃતિની અપીલ

 

 

વડોદરા, શનિવાર, 31 મે, 2025: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોભા રોડ ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં રસ્તા પર પડેલા વૃક્ષને હટાવવાનો પ્રયાસ કરતા એક આધેડ વ્યક્તિને વીજ કરંટ લાગતા તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર, પાદરાના નવી જીન વિસ્તારમાં રહેતા 55 વર્ષીય નારસિંહ ઉદેસિંહ મહિડાના ઘર સામે રસ્તા પર આવેલું પીલવાનું વૃક્ષ વરસાદ અને વાવાઝોડાના કારણે ધરાશાયી થઈ ગયું હતું. આ વૃક્ષ તેમના ઘર તરફ આવતા ઈલેક્ટ્રીક સર્વિસ વાયર પર પડ્યું હતું.
આજે સવારે, નારસિંહભાઈ વરસાદ અને વાવાઝોડાને કારણે પડી ગયેલા વૃક્ષની ડાળીઓને દૂર કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમને વીજ કરંટ લાગ્યો હતો. તેમને કરંટ લાગતા જ આસપાસથી દોડી આવેલા સ્થાનિકો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે મુવાલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પર હાજર તબીબે નારસિંહભાઈને મૃત જાહેર કરતા હોસ્પિટલમાં પરિવારના આક્રંદથી કરૂણ સન્નાટો છવાઈ ગયો હતો.
આ દુઃખદ ઘટનાથી મોભા રોડ ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. તંત્ર દ્વારા લોકોને વીજળી સાથે જોડાયેલા જોખમો અંગે વધુ સતર્ક રહેવા અને આવા સંજોગોમાં વીજ કંપનીનો સંપર્ક કર્યા પછી જ કામગીરી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી છે.

(1:29 PM IST)