News of Saturday, 31st May 2025
ગુજરાતમાં 'ઓપરેશન સિંદૂર'ની ભવ્ય સફળતા બાદ 'ઓપરેશન શિલ્ડ' હેઠળ રાજ્યવ્યાપી મેગા મોકડ્રિલ : સાંજે 5 વાગ્યે સમગ્ર ગુજરાતમાં સાયરન વાગ્યા : નાગરિકોની સુરક્ષા અને જાગૃતિનો અભ્યાસ કરાયો!
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અને મુખ્યમંત્રી-ગૃહ રાજ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ યુદ્ધ જેવી સ્થિતિમાં તંત્રની સજ્જતા ચકાસાઈ : અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ અને સિવિલ ડિફેન્સ ડી.જી.પી. મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ 12 હજાર સ્વયંસેવકો સહિત અનેક વિભાગો જોડાયા!

ગાંધીનગર: ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે આયોજિત નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રિલ) 'ઓપરેશન શિલ્ડ'નો ગુજરાતમાં આજે સાંજે સફળતાપૂર્વક અમલ કરવામાં આવ્યો. 'ઓપરેશન સિંદૂર'ની ભવ્ય સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાંજે 5 વાગ્યે એક સાથે આ ભવ્ય મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રાત્રે 8 વાગ્યા સુધી ચાલ્યું હતું.
ઉચ્ચ અધિકારીઓની દેખરેખ, વ્યાપક સંકલન:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે આ મોકડ્રિલ યોજાઈ હતી. ગુજરાતના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો સહિત તમામ જિલ્લાઓમાં આ કવાયતનું આયોજન કરાયું હતું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ અને સિવિલ ડિફેન્સના ડી.જી.પી. મનોજ અગ્રવાલે “ઓપરેશન શિલ્ડ” સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મોકડ્રિલના સફળ અમલીકરણ માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને સિવિલ ડિફેન્સના અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
યુદ્ધની પરિસ્થિતિમાં નાગરિક જાગૃતિ અને તંત્રની ભૂમિકા:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના સરહદી જિલ્લાઓ સહિત તમામ જિલ્લાઓમાં આ મોકડ્રિલ યોજાઈ હતી. આ કવાયતનો મુખ્ય હેતુ યુદ્ધની પરિસ્થિતિ અથવા સરહદે ઊભી થતી તણાવની પરિસ્થિતિમાં નાગરિકો પોતાને કઈ રીતે સુરક્ષિત રાખી શકે તેમજ વહીવટી તંત્રને કઈ રીતે મદદરૂપ થઈ શકે તે અંગેની જાગૃતિ ફેલાવવાનો હતો.
રાજ્યના 9 જિલ્લાઓ ખાતેના 14 યુનિટમાંથી અંદાજિત 12 હજાર જેટલા સિવિલ ડિફેન્સના માનદ સભ્યો આ મોકડ્રિલમાં જોડાયા હતા. નાગરિક સંરક્ષણની 12 સેવાઓ પૈકી અગત્યની સેવાઓ જેવી કે, સર્ચ અને રેસ્ક્યુ, ફર્સ્ટ એઇડ જેવી તાલીમ, એર રેડ અને બ્લેક આઉટની જોગવાઈ મુજબ તાલીમબદ્ધ સિવિલ ડિફેન્સના વધુમાં વધુ સભ્યોએ સક્રિય ભૂમિકા ભજવી હતી.
વિવિધ વિભાગોની ભાગીદારી અને વાસ્તવિક દ્રશ્યોનું નિર્માણ:
આ મોકડ્રિલમાં સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ, ફાયર, આરોગ્ય વિભાગ, પોલીસ, ફોરેસ્ટ, ઉર્જા, રોડ અને બિલ્ડીંગ, NCC, NSS, શિક્ષણ, મ્યુનિસિપલ કોર્પોરેશન, હોમગાર્ડઝ સહિતના વિવિધ વિભાગો અને એજન્સીઓ સહભાગી થઈ હતી.
આજ રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં મેડિકલ ઇમરજન્સી અને રેસ્ક્યુ ડ્રીલ, બ્લડ ડોનેશન કેમ્પ, એરસ્ટ્રાઇક, ફાયર, ઇવોકેશન, એર રેઇડ વોર્નિંગ, જનરલ એક્ટિવેશન ઓફ હોટ લાઇન - કંટ્રોલ રૂમ, બ્લેક આઉટ, બોમ્બ અને ડ્રોન-મિસાઈલ અટેક જેવી વાસ્તવિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે આ પ્રકારની મોકડ્રિલ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સરહદી જિલ્લાઓ ખાતે મેડિકલ ઇમરજન્સી, બ્લેક આઉટ તથા શેલ્ટર હોમ્સ સહિતની માહિતી નાગરિકોને આપવામાં આવી હતી. આ વ્યાપક કવાયત દર્શાવે છે કે ગુજરાતનું વહીવટી તંત્ર કોઈપણ આપત્તિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
