<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

અમદાવાદમાં 14 વર્ષની સગીરાનું અપહરણ કરી અઢી લાખ લઈ રાજસ્થાનના યુવક સાથે લગ્ન કરાવી નાખ્યા: 3 લોકોની ધરપકડ

જે દિકરીને ઘરના માલિકોએ દત્તક લઈને મોટી કરી અને અચાનક એ સગીર દિકરી ઘરમાંથી બહાર ગઈ અને પરત ન આવી

અમદાવાદ :એક 14 વર્ષની સગીરા, જેને જન્મ આપ્યા બાદ તેની મા મૃત્યુ પામી, પિતાએ થોડા સમય સુધી સાચવી અને બાદમાં જે ઘરમાં તે મજૂરી કરતો હતો, દારૂના નશાની ટેવમાં દિકરીને તે જ ઘરમાં મુકીને ફરાર થઈ ગયો, જે દિકરીને ઘરના માલિકોએ દત્તક લઈને મોટી કરી અને અચાનક એ સગીર દિકરી ઘરમાંથી બહાર ગઈ અને પરત ન આવી. તપાસ કરતા સામે આવ્યું કે એક યુવક પાસેથી રૂપિયા લઈને તે માસૂમ સગીરાના તેની જોડે લગ્ન કરાવી નાખવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. 

સરખેજ પોલીસે ઉર્ફે ગોવિંદજી ઠાકોર, ભારતીબેન ભરતજી ઠાકોર અને ટીનાબેન વનરાજસિંહ ઠાકોરની એક સગીરાનું બળજબરી અપહરણ કરી પૈસા લઈને એક પુખ્ત વયના યુવક સાથે લગ્ન કરાવી નાખવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની વિગતવાર વાત કરીયે તો ફરિયાદી મીનાબેન ઠાકોર સરખેજમાં વર્ષોથી રહે છે, તેઓને સંતાનમાં 3 દિકરા છે. 

14 વર્ષ પહેલા અમીત ઠાકોર નામનો એક શખ્સ તેઓના ઘરે કામ માટે પોતાની એક વર્ષની તેની દિકરીને લઈને આવ્યો હતો, પોતાની દિકરીના જન્મ બાદ તેની માતા મૃત્યુ પામી હોવાની વાત ફરિયાદીને કરતા તેઓને દયા આવતા અમીત ઠાકોરને કામ પર રાખ્યો હતો, જોકે અમીત દારૂની ટેવ ધરાવતો હોવાથી પોતાની એક વર્ષની દિકરીને ફરિયાદીના ઘરે જ મુકીને એક જ મહિના બાદ ફરાર થઈ ગયો હતો. જે બાદ તે પરત ન આવતા મીનાબેને તે બાળકીનો પોતાની દિકરીની જેમ ઉછેર કર્યો હતો. ગત 29મી એપ્રિલના રોજ સાંજના સમયે સગીરાએ થોડી વારમાં આવવાનુ કહીને ઘરેથી બહાર ગઈ હતી અને બાદમાં પરત ન આવતા તેઓએ આસપાસમાં તપાસ કરી હતી પરંતુ સગીરા મળી આવી ન હતી. જે પછી ફરિયાદી 18 દિવસ માટે ચારધામની યાત્રાએ ગયા અને પરત આવતા તેમને જે જાણવા મળ્યું ચોંકાવનારુ હતું.

ફરિયાદીની પાડોશમાં રહેતા વનરાજભાઈ દરબાર અને તેની પત્ની ટીના દરબાર પોતાનું મકાન બંધ કરી ક્યાંક જતા રહ્યા હોવાની જાણ તેઓને થઈ હતી. જેથી તેમને ફોન કરતા સરખો જવાબ ન આપતા અને સગીરા પણ તેઓના પરિચયમાં હોવાથી મીનાબેનને શંકા થઈ હતી. જે દરમિયાન તેઓને જાણવા મળ્યું હતું કે વનરાજ દરબાર અને તેની પત્ની ટીના દરબારે સગીરાને ફોસલાવી મહેસાણા બાજુ લઈ ગયા છે, જેથી વધુ તપાસ કરતા તેઓને ખબર પડી કે આ બન્ને જણાએ સગીરાને ફોસલાવી અપહરણ કરી લઈ જઈને રાજસ્થાન ખાતે પરણાવી દીધી છે. જેથી આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે તપાસ કરી સગીરાને મુક્ત કરાવી ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. 

આરોપીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ પકડાયેલા આરોપીઓ સહિત વનરાજ રાઠોડ, મેઘરજ રાઠોડ, હિના રાઠોડ અને વિરસિંહ રાઠોડ આ ગુનામાં સામેલ છે, પકડાયેલા આરોપીઓને સગીરાના લગ્ન રાજસ્થાનના વિરસિંગ રાઠોડ નામના યુવક સાથે કરાવ્યા હતા, જે લગ્ન કરાવવા માટે વિરસિંગ રાઠોડ પાસેથી અઢી લાખ રૂપિયા પણ લીધા હતા. પકડાયેલા આરોપીઓ સગીરાને અહિયાથી લઈ જઈ લગ્ન કરાવવા સુધીના ગુનામાં સંડોવાયેલા હતા. હાલ તો પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓની પુછપરછ તેમજ ગુનામાં સામેલ અને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે, તેઓના પકડાયા બાદ આ કેસમાં વધુ ખુલાસા સામે આવશે.

(7:38 PM IST)