News of Tuesday, 3rd June 2025
ગુજરાતમાં કોવિડ-19ના કેસમાં ઉછાળો : આજે 95 નવા દર્દીઓ નોંધાયા : રાજ્યમાં હાલ 387 સક્રિય કેસ : મોટાભાગના હોમ આઇસોલેશનમાં : અત્યાર સુધીમાં 39 દર્દીઓ સાજા થયા
ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ LF.7.9 અને XFG Recombinant સક્રિય! : સામાન્ય લક્ષણો છતાં તકેદારી જરૂરી : આરોગ્ય વિભાગ દ્વારા 'સાવચેતી એ જ સમજદારી'નો મંત્ર

રાજકોટ : ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોવિડ-19ના કેસમાં નજીવો ઉછાળો જોવા મળ્યો છે, જ્યાં આજે (2 જૂન, 2025) 95 નવા કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, હાલ રાજ્યમાં કુલ 387 સક્રિય દર્દીઓ છે. આ પૈકી 22 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે અન્ય 375 દર્દીઓ હોમ આઇસોલેશનમાં રહીને સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 39 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, અને રાહતની વાત એ છે કે કોઈ મૃત્યુ નોંધાયું નથી.
રાજ્યમાં હાલમાં સક્રિય જોવા મળી રહેલા કોવિડ-19ના કેસો પાછળ ઓમિક્રોનના પેટા ટાઈપ વેરિયન્ટ્સ LF.7.9 અને XFG Recombinant જવાબદાર હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. આ વેરિયન્ટ્સના દર્દીઓમાં સામાન્ય રીતે માઈલ્ડ તાવ, શરદી, અને ખાંસી જેવા લક્ષણો જોવા મળે છે, જે સિઝનલ ફ્લૂ જેવા જ છે.
આરોગ્ય વિભાગે નાગરિકોને તકેદારી રાખવાની અપીલ કરતા જણાવ્યું છે કે, જે વ્યક્તિઓ હોમ આઇસોલેશનમાં છે, તેમણે પોતાના સ્વાસ્થ્યનું સતત સ્વ-નિરીક્ષણ કરવું જોઈએ. જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો હિતાવહ છે.
લોકોને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર (COVID Appropriate Behavior) નું કડક પાલન કરવા પણ અનુરોધ કરાયો છે. જેમાં ખાંસી કે છીંક આવે ત્યારે નાક અને મોંને ઢાંકવા, જાહે૨ સ્થળોએ થૂંકવાનું ટાળવું, અવારનવા૨ સાબુ અને પાણીથી હાથ ધોવા, અને સેનેટાઈઝ૨નો ઉપયોગ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
વધુમાં, કો-મોર્બિડ કંડિશન ધરાવતા લોકો (જેમને ડાયાબિટીસ, હૃદય રોગ જેવી અન્ય ગંભીર બીમારીઓ હોય) અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ. આવા વ્યક્તિઓએ ભીડવાળી જગ્યાઓ ૫૨ જવાનું ટાળવું જોઈએ અથવા ફરજિયાતપણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. આરોગ્ય નિષ્ણાતોના મતે, કોવિડના કેસોમાં દ૨ છ થી આઠ માસમાં થોડો ઉછાળો આવતો હોય છે, તેથી ગભરાવાની જરૂર નથી, પરંતુ "સાવચેતી એજ સમજદારી છે" ના મંત્રને અપનાવીને જાગૃત રહેવું અનિવાર્ય છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
