<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

આઈપીએલ ફાઈનલઃ ઓપરેશન સિંદૂરની થીમ પર સ્‍ટેડીયમમાં લાઈટ શો

તમામ ફલાઈટો ફૂલ, ભાડામાં ત્રણ થી ચાર ગણો વધારો, મેદાનની બાઉન્‍ડ્રી પર આઠ ફૂટ ઉંચી રેલીંગ અને ત્રણ લેયર સુરક્ષા કવચ :સ્‍ટેડીયમની આસપાસ અને અંદર ૪ હજાર પોલીસ કર્મચારીઓ તૈનાતઃ સજ્જડ સુરક્ષા વ્‍યવસ્‍થા

અમદાવાદઃ નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ પર આજે આરસીબી અને પંજાબ કિંગ્‍સ વચ્‍ચે ફાઇનલ મુકાબલો રમાશે. નરેન્‍દ્ર મોદી સ્‍ટેડીયમમાં ૧ લાખથી વધુ લોકો મેચ જોવા ઉમટશે સ્‍ટેડિયમ ફરતે પાંચ સ્‍તરની સુરક્ષા ગોઠવવામાં આવી છે, તેમજ ૧૨ સ્‍થળો પર પાર્કિગ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂરની થીમ પર સ્‍ટેડિયમમાં લાઇટ શો યોજાશે.

ફાઇનલ મેચને જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો અમદાવાદ આવી રહ્યા હોઇ મુંબઈ, બેંગ્‍લુરુ, ચંદીગઢથી આવતી ફ્‌લાઈટો પેક જોવા મળી રહી છે. વન વે ભાડામાં ૩ થી ૪ ગણો વધારો થયો છે. બપોરે ૨ વાગ્‍યાથી જનપથ ટીથી સ્‍ટેડિયમ સુધી રોડ બંધ રહેશે.આ મહત્‍વપૂર્ણ મેચ માટે અમદાવાદ પોલીસે સુરક્ષાનું કડક આયોજન કર્યું છે. ભૂતકાળમાં મેચ દરમિયાન બે વખત કોઈક પ્રેક્ષક રેલિંગ કૂદી મેદાનમાં પ્રવેશવાની ઘટના બની ચૂકી છે, જેના કારણે આ વખતે આ પ્રકારની કોઈ પરિસ્‍થિતિ ફરી ન સર્જાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવાઇ છે.

અહિં ૧૪૦ LRD જવાનોને ખાસ પસંદગી આપવામાં આવી છે, જેમને મેદાનની બાઉન્‍ડ્રી પર દોડતી-ફિલ્‍ડિંગ માટે તૈયાર રાખવામાં આવ્‍યા છે. કોઈ પ્રેક્ષક જો રેલિંગ પાર કરીને મેદાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરે, તો આ જવાનો ફટાફટ દોડી તેને અટકાવશે. આ ઉપરાંત મેદાન અને આસપાસ કુલ ૪૦૦૦ પોલીસ અધિકારી અને જવાનો તૈનાત રહેશે. મેચ દરમિયાન, મેદાનની બાઉન્‍ડ્રી પર આઠ ફૂટ ઊંચી રેલિંગ અને ત્રણ લેયર સુરક્ષા કવચ ગોઠવાયો છે. આ સુરક્ષાની ત્રીજી લેયરમાં સ્‍ટેડિયમમાં આવેલા પ્રેક્ષકો વચ્‍ચે પણ પોલીસ હાજર રહેશે.(૪૦.૧૭)

(10:01 AM IST)