News of Tuesday, 3rd June 2025
IPL ફાઇનલ પૂર્વે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ગેસ સિલિન્ડર ફાટ્યો : મોટી દુર્ઘટના ટળી
સ્ટેડિયમ બહાર નાસ્તાની લારીમાં બ્લાસ્ટ : RCB vs PBKS વચ્ચે આજે ઐતિહાસિક IPL ફાઇનલ : લાખો ચાહકોની અવરજવર પહેલા બેદરકારી છતી થઈ

અમદાવાદ, તા. ૩ જૂન, ૨૦૨૫: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ની ઐતિહાસિક ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે તે પૂર્વે જ એક મોટી દુર્ઘટના માંડ-માંડ ટળી છે. સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વાર બહાર ફૂટપાથ પર આવેલી એક નાસ્તાની લારીમાં ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, સવારના સમયે આ ઘટના બનતા કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો.
આ ઘટના ફૂટપાથ પર ખાણીપીણીનો સામાન વેચતા લોકોની બેદરકારીને ઉજાગર કરે છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે IPL ૨૦૨૫ની ફાઇનલ મેચ રમાવાની છે. આ મેચ જોવા માટે લાખોની સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટી પડવાના છે, ત્યારે આ દુર્ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.
૧૭ વર્ષના ટાઈટલ દુકાળનો અંત: RCB અને PBKS રચશે ઇતિહાસ
આજની IPL ફાઇનલ મેચ બંને ટીમો માટે ઐતિહાસિક બનવા જઈ રહી છે, કારણ કે IPLના ૧૭ વર્ષના ઇતિહાસમાં RCB અને પંજાબ કિંગ્સ એવી બે ટીમો છે જેમણે હજુ સુધી ટ્રોફી જીતી નથી. આ મેચ અમદાવાદના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે, જ્યાં એક ટીમનો વર્ષોનો ટાઈટલ દુકાળ સમાપ્ત થશે અને IPLને એક નવો ચેમ્પિયન મળશે.
RCBએ પ્રથમ ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સને હરાવીને ૯ વર્ષ બાદ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે, જે તેના ચાહકો માટે ખુશીનો વિષય છે. બીજી તરફ, શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સે ૫ વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ૧૧ વર્ષ બાદ ટાઈટલ મેચમાં જગ્યા બનાવી છે. બંને ટીમોની આ રોમાંચક સફર ફાઇનલ મેચને વધુ રસપ્રદ બનાવે છે.
BCCI દ્વારા ફાઇનલ માટે વિશેષ તૈયારીઓ
આ ફાઇનલ મેચને યાદગાર બનાવવા માટે BCCI દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને મેચ પૂર્ણ કરવા માટે ૧૨૦ મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત, ૪ જૂનનો દિવસ રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે, જેથી વરસાદના કારણે મેચ રદ થાય તો ચાહકો બીજા દિવસે તેનો આનંદ માણી શકે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ભવ્યતા અને ચાહકોનો ઉત્સાહ આ ફાઇનલને ખરેખર યાદગાર બનાવશે, જ્યાં RCB અને પંજાબની ટીમો ઇતિહાસ રચવા માટે કટિબદ્ધ છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
