News of Thursday, 5th June 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વૃક્ષારોપણ કરીને AMCના 'મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાનનો પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રીએ ટેબ્લો અને 11 વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું: અમદાવાદમાં 551 સિંદૂર વૃક્ષો સાથેનું 'સિંદૂર વન' તૈયાર કરાશે

અમદાવાદ :'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 'મિશન ફોર (4) મિલિયન ટ્રીઝ' અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સિંદૂરના બાળવૃક્ષનું વાવેતર કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદલોડિયા વોર્ડમાં નિર્માણ પામનારા 'સિંદૂર વન'ના નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મરણ પામેલા નાગરિકોના સ્મરણાર્થે તથા ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા 'ઓપરેશન સિંદૂર'ના સન્માનમાં ચાંદલોડિયા વોર્ડમાં 551 સિંદૂર વૃક્ષો સાથેનું 'સિંદૂર વન' તૈયાર કરવામાં આવનાર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાનના પ્રચાર પ્રસાર અર્થે તૈયાર કરાયેલા ટેબ્લો સહિત 11 વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'એક પેડ માં કે નામ' અને 'મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમાં નાગરિકોને સહભાગી બનાવવા કુલ 38 જેટલા વૃક્ષરથ તૈયાર કરવામાં આવનાર છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલ દ્વારા યોજાયેલ પર્યાવરણલક્ષી ચિત્ર સ્પર્ધાના પાંચ વિજેતાઓને મુખ્યમંત્રીએ પુરસ્કાર સ્વરૂપે સાઇકલ એનાયત કરી હતી.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
