News of Thursday, 5th June 2025
અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે પ્રદીપસિંહ જાડેજાને જાતે સોલ્ડર ટાઇટલ લગાવી પ્રમોશન આપ્યું : પોલીસ દળમાં કુટુંબ ભાવના ઉજાગર!
૧૭ ડીવાયએસપીને એસપી તરીકે બઢતી : જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા હવે નાયબ પોલીસ કમિશનર : પોલીસ વડાઓની હાજરીમાં કરાયું બહુમાન : જવલ્લે જ જોવા મળતી ઘટના

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે પોલીસ દળમાં કુટુંબ ભાવના અને ટીમ ભાવનાને ઉજાગર કરતો એક અનોખો દાખલો બેસાડ્યો છે. તાજેતરમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કુલ ૧૭ ડીવાયએસપી (નાયબ પોલીસ અધિક્ષક) અધિકારીઓને એસપી (પોલીસ અધિક્ષક) તરીકે બઢતીના આદેશ કરવામાં આવ્યા હતા. આ બઢતી પામેલા અધિકારીઓમાં અમદાવાદ શહેરના જે ડિવિઝન એસીપી તરીકે ફરજ બજાવતા પ્રદીપસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે. તેમને પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપી, નાયબ પોલીસ કમિશનર, જે ડિવિઝન તરીકે નિમણૂક આપવામાં આવી છે.
આ નિમણૂકને લઈને પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર મલિકે પોતાની જાતે પ્રદીપસિંહ જાડેજાના ગણવેશ પર પોલીસ અધિક્ષકના હોદ્દાના અશોકસ્તંભ અને સ્ટાર સાથેના ટાઇટલ સોલ્ડર લગાડીને તેમનું બહુમાન કર્યું હતું. આ પ્રકારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાતે ટાઇટલ સોલ્ડર લગાવી પ્રમોશન આપવામાં આવે તેવા કિસ્સાઓ સામાન્ય રીતે જોવા મળતા નથી, જે આ ઘટનાને વધુ વિશિષ્ટ બનાવે છે.
આ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તમામ પોલીસ સ્ટાફની હાજરીમાં પ્રદીપસિંહ જાડેજાને પ્રમોશન આપવામાં આવ્યું હતું. જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે તમામ બઢતી પામેલા પોલીસ અધિકારીઓને અને નવી જગ્યાએ નિમણૂક પામનાર અધિકારીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે પોલીસ ખાતામાં એક મજબૂત કુટુંબ ભાવના અને ટીમ વર્કનો માહોલ જોવા મળ્યો હતો, જે પોલીસ વિભાગમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
પ્રમોશન મેળવનાર અમદાવાદ શહેરના નવા નાયબ પોલીસ કમિશનર પ્રદીપસિંહ જાડેજાએ આ પ્રસંગે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, જેસીપી સેક્ટર ૦૨ જયપાલસિંહ રાઠોડ, જેસીપી ક્રાઇમ શરદ સિંગલ, જેસીપી સ્પેશિયલ બ્રાંચ વિધિ ચૌધરી, જેસીપી સેક્ટર ૦૧ નીરજ બડગુજર, જેસીપી ટ્રાફિક એન.એન. ચૌધરી તથા ડીસીપી ઝોન ૦૬ રવિ મોહન સૈની સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના પોલીસ દળમાં અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચેના પરસ્પર સન્માન અને સૌહાર્દને વધુ મજબૂત બનાવશે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
