<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

ગાંધીનગરમાં CID ક્રાઈમના PSI સિસોદિયા સસ્પેન્ડ : કામગીરીમાં ગેરરીતિની ફરિયાદો બાદ DGP વિકાસ સહાયનો સપાટો : ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીનો સંકેત!

આર્થિક ગુના નિવારણ શાખાના PSI સામે SMCની તપાસમાં આરોપો સિદ્ધ : રાજ્યમાં ઠગાઈ અટકાવવા બનેલી શાખાના જ અધિકારી સામે પગલાં લેવાતા પોલીસ બેડામાં ખળભળાટ : પારદર્શિતા જાળવવા પર ભાર

ગાંધીનગર : ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ સામેની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર સ્થિત CID ક્રાઈમ (ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ)માં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) સિસોદિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમની કામગીરી સામે અનેક ફરિયાદો મળ્યા બાદ રાજ્યના પોલીસ વડા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાયે તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, PSI સિસોદિયા CID ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા હતા. આ શાખા રાજ્યમાં ઠગાઈ અને વેપારીઓ સાથે થતી આર્થિક છેતરપિંડી જેવા ગુનાઓને ડામવા માટે સરકાર દ્વારા ખાસ ઉભી કરવામાં આવી છે. જોકે, આ જ શાખામાં ફરજ બજાવતા સિસોદિયાની કામગીરી સામે અવારનવાર ફરિયાદો મળતી હતી.
આ ફરિયાદોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેમની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને સોંપવામાં આવી હતી. SMC દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં PSI સિસોદિયા સામેના આરોપો સિદ્ધ થતા જોવા મળ્યા હતા. SMCના તપાસ રિપોર્ટના આધારે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તાત્કાલિક અસરથી સિસોદિયાને સસ્પેન્ડ કરવાનો આદેશ કરીને કડક સંદેશ આપ્યો છે.
આ કાર્યવાહી દર્શાવે છે કે, ગુજરાત પોલીસ વિભાગમાં કોઈ પણ સ્તરના અધિકારીની કામગીરી સામે ફરિયાદ મળશે તો તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે અને જરૂર પડ્યે કડક પગલાં લેવામાં આવશે. પોલીસ દળની વિશ્વસનીયતા જાળવવા અને નાગરિકોને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારની કાર્યવાહી અત્યંત આવશ્યક માનવામાં આવે છે.

(10:52 PM IST)