News of Friday, 6th June 2025
રાજકોટને રૂ. ૫૫૭ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું હીરાસર એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત!
મેયર, ધારાસભ્યો સહિત જિલ્લા અને શહેરના ઉચ્ચ અધિકારીઓ તથા અગ્રણીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર અભિવાદન કર્યું : વિકાસના નવા અધ્યાયનો પ્રારંભ

રાજકોટ : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટ શહેર અને જિલ્લાને રૂ. ૫૫૭ કરોડના વિશાળ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા માટે હીરાસરમાં આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પધાર્યા હતા. મુખ્યમંત્રીના આગમન પ્રસંગે તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું, જેમાં પુષ્પગુચ્છ અર્પણ કરીને મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું.
આ અવસરે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, અને ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સ્વાગત માટે હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, સી.આઈ.એસ.એફ.ના ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપસિંહ સિરસવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, ભાજપના અગ્રણીઓ માધવભાઈ દવે, ભરતભાઈ બોઘરા, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્થાનિક નેતાઓ પણ આ પ્રસંગે હાજર રહી મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આ મુલાકાત રાજકોટ અને સૌરાષ્ટ્રના વિકાસને નવી ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
