News of Sunday, 8th June 2025
નવસારીમાં ભગતની હત્યા: પેટમાં દુખાવો થતા પીઠમાં ધબ્બો મારતા મામલો બીચક્યો
પેટનો દુખાવો મટાડવા ગયેલા યુવકે ભગતની જ હત્યા કરી નાંખી : આ ઘટનામાં પોલીસે માત્ર પાંચ કલાકમાં જ આરોપીની ધરપકડ કરીને કેસ ઉકેલી નાખ્યો

નવસારીઃ 21મી સદીમાં મેડિકલ ક્ષેત્ર ખૂબ આગળ વધ્યું છે, છતાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ભૂવા-ભગતનું ચલણ જોવા મળે છે. સર્પદંશ, ભૂત-પ્રેતની અસર કે અન્ય સમસ્યાઓ માટે લોકો ભૂવા-ભગતની મદદ લે છે. શારીરિક, સામાજિક કે આર્થિક સમસ્યાઓના નિવારણ માટે પણ લોકો તેમનો સહારો લે છે. આ ઘટનામાં પોલીસે માત્ર પાંચ કલાકમાં જ આરોપીની ધરપકડ કરીને કેસ ઉકેલી નાખ્યો છે
નવસારી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભગત પાસે પેટનો દુખાવો મટાડવા ગયેલા યુવકે ભગતની જ હત્યા કરી નાંખી હતી. આ ઘટના વાંસદા વિસ્તારમાં બની હતી. વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં પેટના દુખાવાની વિધિ દરમિયાન થયેલી હત્યાની ઘટના સામે આવી છે. ધીરુભાઈ વિઠ્ઠલભાઈ પટેલને પેટમાં દુખાવો રહેતો હતો. તેમણે ગામમાં રહેતા ભગત ઝીણાભાઈ મંગળભાઈ પટેલ પાસે ઉપચાર માટે વિધિ કરાવવાનું નક્કી કર્યું હતું.
ગીતામણી નદી પાસે રાત્રે વિધિની શરૂઆત કરવામાં આવી હતી. વિધિ દરમિયાન ભગતે ધીરુભાઈની પીઠ પર જોરથી ધબ્બો માર્યો હતો. આ બાબતે ધીરુભાઈએ વાંધો ઉઠાવ્યો કે તેમને પેટમાં દુખાવો છે ત્યારે પીઠ પર કેમ મારે છે. ભગતે જણાવ્યું કે, આ વિધિનો ભાગ છે. આ મુદ્દે બંને વચ્ચે તકરાર થઈ હતી, જે મારામારીમાં પરિણમી હતી. અંતે ઉશ્કેરાયેલા ધીરુભાઈએ ભગત ઝીણાભાઈના માથામાં પથ્થર મારીને તેમની હત્યા કરી નાંખી હતી.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
