News of Monday, 9th June 2025
જસદણમાં રૂ. ૮.૪૦ કરોડના ખર્ચે બનેલા રમતગમત સંકુલનું રાજકોટથી ભુપેન્દ્રભાઇએ લોકાર્પણ કર્યુ
પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ મોવિયા, મચ્છુ-૧ તથા પડધરી જૂથ પાણી પુરવઠા યોજનાના વિસ્તરણનાં કામોનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા. ૯: જસદણ ખાતે રમતગમત સંકુલ બનાવવા આ વિસ્તારના ધારાસભ્ય અને કુબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા પ્રયત્નો કરવામાં આવેલા જેને મુખ્યમંત્રીએ જસદણ ખાતે ઈન્ડોર અને આઉટડોર રમત-ગમત સંકુલ મંજૂર કરેલ હતું. જેનું ૨૦૨૩ ના વર્ષમાં ખાતમુર્હૂત કરવામાં આવ્યું અને આજે ભવ્ય સ્પોર્ટ્સ સંકુલ તૈયાર થયેલ છે જેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ.
આ સ્પોર્ટ્સ સંકુલ ૭ એકર જમીનમાં રૂ. ૮.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ છે જેમાં વિવિધ ઈન્ડોર અને આઉટડોર ગેમ્સ, જુડો, કુશ્તી, કબડ્ડી, વોલીબોલ, ખો-ખો તેમજ એથ્લેટીકસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે આ સંકુલ બનતા જસદણ અને વિંછીયા વિસ્તારના યુવાનો માટે આ સ્પોર્ટ્સ સંકુલ આશીર્વાદરૂપ બની રહેશે.
મુખ્યમંત્રી દ્વારા આ ઉપરાંત પાણી પુરવઠા વિભાગના મોવિયા, મચ્છુ-૧ તથા પડધરી જૂથ પાણી પુરવઠા યોજનાનું વિસ્તરણનાં રૂ. ૮૪.૨૯ કરોડના ખર્ચે સુધારણાના કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
આ યોજનાઓથી રાજકોટ જિલ્લાનાં ગોંડલ, કોટડા સાંગાણી, રાજકોટ (ગ્રામ્ય), પડધરી અને મોરબી જિલ્લાનાં વાંકાનેર વિસ્તારના ૧૩૨ ગામોના ૩.૭૦ લાખ જેટલા લોકોને ૧૦૦ એલ.પી.સી.ડી. (પ્રતિ વ્યક્તિ પ્રતિ દિન) નિયમિત અને પૂરતો પાણી પુરવઠો પુરો પાડી શકાશે જેથી આ વિસ્તારની પીવાના પાણીની મુશ્કેલી આગામી સમયમાં દૂર થશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
