News of Monday, 9th June 2025
"સ્વચ્છ સવારી... એસ ટી અમારી" : ગુજરાતના ૮૦ એસ.ટી. ડેપો પર ૧૧.૮૦ કરોડના ખર્ચે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરાશે
પ્રથમ તબક્કામાં ૩૩ ડેપોમાં મશીન ઇન્સ્ટોલ કરાયા : ટૂંક સમયમાં અન્ય ૪૭ ડેપોમાં પણ કાર્યરત થશે : ૫ મિનિટથી ઓછા સમયમાં બસોની સફાઈથી મુસાફરોને મળશે સ્વચ્છ પ્રવાસનો અનુભવ

ગાંધીનગર, ૦૯ જૂન ૨૦૨૫: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા "સ્વચ્છ ભારત અભિયાન"ના પરિણામે આજે દેશના નાગરિકો સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા માટેના અનેકવિધ નવતર પ્રયાસો થઈ રહ્યા છે. તેવો જ એક અનોખો પ્રયાસ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. એસ.ટી. નિગમ રાજ્યના નાગરિકોને માત્ર સલામત સવારી જ નહીં, પરંતુ સ્વચ્છ સવારી પણ પૂરી પાડી રહ્યું છે.
બસ હોય કે રેલવે, નાગરિકોને હંમેશા યાતાયાત દરમિયાન સ્વચ્છતા અતિપ્રિય હોય છે. આજે એસ.ટી. નિગમ દ્વારા ડેપો ઉપરાંત બસની સ્વચ્છતાને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સ્વચ્છતા કર્મીઓ ડેપો અને બસ સ્ટેશનને સ્વચ્છ રાખી રહ્યા છે. તેવી જ રીતે, બસોને અંદર-બહારથી સ્વચ્છ રાખવા માટે એસ.ટી. નિગમ દ્વારા રાજ્યના ૩૩ ડેપોમાં 'ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન' કાર્યરત કરવામાં આવ્યા છે. આ મશીનના માધ્યમથી સ્લીપર, એક્સપ્રેસ, વોલ્વો તેમજ મીની બસ સહિતની તમામ બસોની સફાઈ કરવામાં આવી રહી છે.
દિવસ-રાત દોડતી એસ.ટી. બસની સ્વચ્છતાને ધ્યાને લઈને નિગમ દ્વારા ગાંધીનગર, અમદાવાદ, સાણંદ, આણંદ, કપડવંજ, નડિયાદ, બોરસદ, ડાકોર, ખંભાત, રાજકોટ, ગોંડલ, વાંકાનેર, મોરબી, થરાદ, ડીસા, સિદ્ધપુર, રાધનપુર, દિયોદર, મહેસાણા, પાટણ, કડી, ઊંઝા, વડનગર, કલોલ, દ્વારકા, ભુજ, માંડવી, અંજાર, નખત્રાણા, ભાવનગર, પાલીતાણા, મહુવા અને બોટાદ મળીને કુલ ૩૩ ડેપોમાં આ મશીન કાર્યરત કરાયા છે. આ ઉપરાંત, નવા ૦૭ મશીન ખંભાળિયા, વલસાડ, હિંમતનગર, ગોધરા, વડોદરા (પાણીગેટ), દાહોદ અને ઉધના ડેપો ખાતે ટૂંક સમયમાં જ કાર્યરત કરવામાં આવશે.
આગામી સમયમાં અમરેલી, બગસરા, કોડીનાર, સાવરકુંડલા, ઉના, ડભોઈ, છોટાઉદેપુર, પાદરા, બોડેલી, અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, રાજપીપળા, બારીયા, હાલોલ, લુણાવાડા, સંતરામપુર, ઝાલોદ, બાયડ, ભિલોડા, ઇડર, ખેડબ્રહ્મા, માણસા, મોડાસા, જેતપુર, જૂનાગઢ, કેશોદ, માંગરોળ, પોરબંદર, વેરાવળ, વિજાપુર, બાલાસિનોર, બારડોલી, માંડવી (સુરત), સોનગઢ, સુરત (સિટી), બીલીમોરા, ધરમપુર, નવસારી અને વાપી મળીને કુલ ૪૦ ડેપો ખાતે પણ ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવાનું નિગમનું આયોજન છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી. નિગમે હંમેશા નાગરિકોની મુસાફરી તેમજ સ્વચ્છતાને પ્રાથમિકતા આપી છે. જેના ભાગરૂપે નિગમે રૂ. ૧૪ લાખથી વધુની કિંમત ધરાવતા કુલ ૮૦ 'ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન' રૂ. ૧૧.૮૦ કરોડના ખર્ચે ખરીદી કરી ડેપોમાં ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. આ મશીન દ્વારા બસના આગળનો ભાગ, બંને સાઈડ તેમજ પાછળના ભાગમાં ફક્ત ૫ થી ૭ મિનિટમાં સફાઈ થઈ જાય છે, જેનાથી મુસાફરોને સ્વચ્છ મુસાફરીનો લાભ મળે છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
