<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

બ્રેક મોન્‍સુનની સ્‍થિતિ ૧૨ તારીખથી સુધરશેઃ ગુજરાતમાં ૧૪ જૂન આસપાસથી વરસાદી ગતિવિધિ વધશેઃલો પ્રેશરસિસ્‍ટમ ૧૮-૨૦ જૂનમાં બનશે

જાણીતા વેધરએનાલીસ્‍ટ ગોૈરવ રાણીંગાનો વર્તારો ૨૦મી બાદ બંગાળની સિસ્‍ટમ ગુજરાત બાજુ આગળ વધશે તો મધ્‍યમથી ભારે વરસાદનો રાઉન્‍ડ

રાજકોટ તા.૯: જૂનાગઢના જાણીતા હવામાન નિષ્‍ણાંત શ્રી ગોૈરવભાઇ  રાણીંગાએ એક આગાહીમાં જણાવેલ કે દેશમાં મે મહિનામાં નોર્મલ કરતા ઘણો વધુ વરસાદ નોંધાયો હતો જેના પરિણામે ચોમાસું વહેલું અને ઝડપભેર આગળ વધીને પહેલા કેરળ અને પછી મુંબઈ સુધી પહોંચી ગયું જેણે વહેલા ચોમાસા માટે નવો રેકોર્ડ પણ બનાવ્‍યો, પરંતુ જૂન મહિનો શરૂ થતાની સાથે જ ચોમાસું મંદ પડી ગયુ જેને લઈને જૂન મહિના માટે આજ સુધી (૧થી ૯ જૂન) ના સમયગાળામાં દેશભરમાં નોર્મલ કરતા ૨૫%ઓછો વરસાદ નોંધાયો છે, જ્‍યારે ગુજરાત રીજીયનમાં ૩૯% અને સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં આજ સુધીમાં ૭૪%જેટલી વરસાદની ઘટ જોવા મળી છે..

આગોતરૂ  એંધાણઃ તેમણે ઉમેર્યુ હતુ કે,

 બ્રેક મોન્‍સુનની આ સ્‍થિતિમાં આગામી ૧૨ તારીખથી સુધારો જોવા મળે અને આંધ્ર પ્રદેશ/ઓડિશા કાંઠે એક અપર એર સાયક્‍લોનિક સરકયુંલેશન સર્જાઈ શકે.ત્‍યાર પછીના દિવસોમાં આ સિસ્‍ટમ જમીની વિસ્‍તારોમાં આગળ વધતા ચોમાસું પુનઃ સક્રિય થશે, ગુજરાતમાં ૧૪ જૂન આસપાસથી વરસાદી ગતિવિધિમાં વધારો થવાનો શરૂ થઈ શકે અને ગાજવીજ સાથે છૂટાછવાયાં વરસાદનો રાઉન્‍ડ શરૂ થશે જેની વધુ અસર પૂર્વ મધ્‍ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્‍ટ્રના કેટલાક વિસ્‍તારોમાં રહેવાની સંભાવના છે. ૧૪ થી ૧૮ જૂનના સમયગાળામાં અરબસાગરમાં  મહારાષ્‍ટ્ર કાંઠે પણ એક સાયક્‍લોનિક સકર્યુંલેશન સાથે ઓફ શોર ટ્રફ સક્રિય થવાની સંભાવના ગણી શકાય જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના કાંઠા સુધીના વિસ્‍તારોમાં ચોમાસાને સક્રિય કરશે. એક લો પ્રેશર સિસ્‍ટમ ૧૮-૨૦ જૂન આસપાસ બંગાળની ખાડીમાં પણ સક્રિય થવાની સંભાવના છે જે ચોમાસાને વધુ વેગ આપવામાં મદદરૂપ થશે. આ સિસ્‍ટમ બન્‍યા બાદ ગુજરાત તરફ આગળ વધે તો ગુજરાતમાં મધ્‍યમ થી ભારે વરસાદનો રાઉન્‍ડ આવી શકે જેની વધુ અપડેટ આગળ સિસ્‍ટમ બને તે મુજબ આપવામાં આવશે. હાલ દેખાય રહેલા અનુકૂળ સંજોગો મુજબ આ તારણ કાઢેલું છે. આપેલ તારીખોમાં બે ત્રણ દિવસ આગળ પાછળ થઈ શકે.

નોંધઃ :આ એક આગોતરૂં એંધાણ ગણવું જેમાં આગળ કુદરતી ફેરફાર થવાની સંભાવના રહેલી છે, તમારા વ્‍યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગની અપડેટ ઉપર આધાર રાખવો. (વેધરઃ બાય ગોૈરવ રાણીંગા)

(3:09 PM IST)