<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે રાજ્યના વિકાસ માટે ખૂબ મહેનત કરી અને પોતાનું જીવન જાહેર સેવામાં સમર્પિત કર્યું. હું પ્રાર્થના કરું છું કે તેમના પરિવાર અને પ્રિયજનોને આ મુશ્કેલ સમયમાં શક્તિ મળે.
મારી વિજયભાઈ સાથે બે-ત્રણ વાર જ મુલાકાત થઈ પરંતુ હંમેશા શાંત અને સરળ સ્વભાવે લોકોને મદદરૂપ થવાના એમના ઘણા દાખલા મેં જોયા છે. કોરોના સમયે મારા પિતાશ્રીનું નિધન થયું હતું, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા. મારા પિતાશ્રીના નિધનના સમાચાર વિજયભાઈને મળ્યા અને તુરંત મને ફોન કરીને મારા પિતાશ્રીને શ્રદ્ધાંજલિ આપી અને લૉકડાઉન હોવા છતાય પિતાશ્રીના અગ્નિ સંસ્કારથી લઈને તમામ રીતે મને મદદ કરી હતી, મહત્વની વાત એ હતી કે એ સમયે હું વિરોધપક્ષની ભૂમિકામાં હતો પરંતુ વિજયભાઈએ મુખ્યમંત્રી તરીકે માનવતાનું ઉદારહણ પૂરું પાડ્યું હતું.
વિજયભાઈની માનવતા, સંવેદનશીલતા અને સરળ સ્વભાવે કરેલા લોકોના કામ હંમેશા યાદ રહેશે.
વિજયભાઈને મારી હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ

(11:08 AM IST)