<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

વિજયભાઈ રૂપાણીના અવસાનથી ગુજરાતના રાજકારણ અને સમાજ જીવનમાં લાંબાગાળા સુધી ખાલીપો અનુભવાશે

સંવેદનશીલ, નિષ્‍ઠાવાન અને પારદર્શક વહીવટના પર્યાય વિજયભાઈ રૂપાણી હતા : કુલપતિ ડો. ભરત રામાનુજ

રાજકોટ, તા., ૧૪ : મહારાજા કળષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ભરત રામાનુજ, તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ શ્રી વિજયભાઈ રૂપાણી અને અનેક યાત્રીકોના અવસાનથી ઊંડો શોક વ્‍યક્‍ત કરે છે અને તેમના  આત્‍માને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે.

કુલપતિ ડો.ભરત  રામાનુજે શ્રધ્‍ધાંજલી અર્પતા જણાવેલ કે, વિજયભાઈ રૂપાણી રાજકીય જીવનમાં માત્ર એક પદાધિકારી નહીં, પરંતુ કર્મ, કરુણા અને કલ્‍યાણના  સચોટ સમન્‍વયકારક હતાં. રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના ઘનિષ્‍ઠ સંસ્‍કારોથી ઘડાયેલા, તેમણે સમાજના દરેક વર્ગ સાથે જીવંત સબંધો ઊભા કર્યા. સામાન્‍ય કાર્યકર્તા હોય કે ઉચ્‍ચ હોદ્દાધારી, સૌએ તેમની સાથે સંબંધોમાં કુટુંબ જેવી લાગણીનો અનુભવ કર્યો. કોર્પોરેટર તરીકેની શરૂઆતથી લઈને મુખ્‍યમંત્રીના ગૌરવમય પદ સુધીનો તેમનો કાર્યકાળ કાર્યક્ષમતા, નિષ્‍ઠા અને જનકલ્‍યાણ માટેના અસાધારણ સમર્પણની દાસ્‍તાન છે. રાજકોટ શહેરથી સૌરાષ્‍ટ્ર અને સમગ્ર ગુજરાતના વિકાસ માટે તેમણે જે દૃષ્ટિ અને કાર્યપદ્ધતિથી યોગદાન આપ્‍યું, તે ભવિષ્‍યના નેતાઓ માટે અમૂલ્‍ય દિશાદર્શક બની રહેશે. શ્રી રૂપાણીજીનો અવસાન માત્ર એક રાજકીય ખાલીપો નથી, તે એક ભાવનાત્‍મક ખાલીપો છે શ્રી વિજયભાઈ એવું વિરલ વ્‍યક્‍તિત્‍વ હતા કે જેમના ચહેરા પર સતત શાંતિ, વાણીમાં સૌમ્‍યતા અને દૃષ્ટિમાં દ્રઢતા હતી. તેઓએ જે લોકસેવા કરી તે તેમના વ્‍યક્‍તિત્‍વ જેટલી જ નિખાલસ હતી.

ડો.ભરત રામાનુજે અંતમાં જણાવેલ કે, શ્રી વિજયભાઈ રૂપાણીજીના અવસાનથી એક એવી ખાલી જગ્‍યા ઊભી થઈ છે જે લાંબા સમય સુધી ન ભરાય. જાહેર જીવનમાં આપણામાંથી ઘણા લોકો માટે, તેઓ શાંત અને સમજદાર જનસેવક તરીકે પ્રેરણાષાોત હતા. એક એવા નેતા જેમણે બોલવા કરતાં વધુ સાંભળ્‍યું, જેમણે સૂચના કરતાં ઉદાહરણ દ્વારા વધુ માર્ગદર્શન આપ્‍યું.

અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આ વિયોગ ક્ષણે તેમના પરિવારજનોને ધીરજ અને શાંતિ પ્રદાન કરે અને સ્‍વ. વિજયભાઈ રૂપાણીની પવિત્ર આત્‍માને ચિર શાંતિ આપે.

(2:57 PM IST)