News of Saturday, 14th June 2025
ગુજરાતમાં અષાઢી વીજળીનો વિકરાળ પ્રકોપ : સુરત, દાહોદ અને છોટાઉદેપુરમાં ૪ નિર્દોષ જીવો હોમાયા : વધુ ૨ ગંભીર રીતે ઇજાગ્રસ્ત!
મેઘમહેર વચ્ચે કાળ બનીને ત્રાટકી વીજળી : દાહોદમાં પિતા-પુત્રના એકસાથે કરુણ મોતથી હૃદયદ્રાવક દ્રશ્યો : સુરતમાં મહિલા અને છોટાઉદેપુરમાં એકનું મોત : હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા કરી અપીલ

સુરત: ગુજરાતમાં મેઘ મહેર વચ્ચે અષાઢી વીજળીનો કહેર જોવા મળ્યો છે. આજે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓમાં કુલ ૪ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ૨ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે.
પ્રાથમિક વિગતો મુજબ, સુરત જિલ્લાના કંટવાવ ગામમાં વીજળી પડતા એક ૪૦ વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જેના પગલે સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
દાહોદ જિલ્લાના મુવાલિયા ગામમાં વીજળી પડવાની ગંભીર ઘટનામાં પિતા-પુત્ર બંનેના એક સાથે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાથી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
જ્યારે દાહોદના જ ધાનપુર વિસ્તારમાં વીજળી પડતા એક ૧૫ વર્ષીય સગીરા ઇજાગ્રસ્ત થઈ હોવાનું સામે આવ્યું છે, જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લાના કોલિયારી ગામમાં પણ વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઇજાગ્રસ્તને સારવાર આપવામાં આવી રહી છે.
વરસાદની મોસમમાં વીજળી પડવાની ઘટનાઓ જીવલેણ સાબિત થઈ રહી છે ત્યારે હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને વીજળીના કડાકા-ભડાકા સમયે સુરક્ષિત સ્થળે આશ્રય લેવા અપીલ કરી છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
