તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Wednesday, 18th June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કરુણ અંત : ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ : ૧૭૩ પાર્થિવ દેહ પરિવારજનોને સુપરત કરાયા : વિદેશી નાગરિકો પણ ભોગ બન્યા
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ આપી સત્તાવાર માહિતી : ૧૪ પરિવારો ટૂંક સમયમાં મૃતદેહ સ્વીકારશે, જ્યારે ૧૨ પરિવાર અન્ય સ્વજનના DNA મેચની રાહમાં : ફોરેન્સિક અને વહીવટી તંત્ર ખડેપગે કાર્યરત : સંવેદનશીલ પ્રક્રિયાને ગંભીરતાપૂર્વક કરાઈ પૂર્ણ

અમદાવાદ, 18 જૂન 2025 (સાંજે 6:00 વાગ્યે): અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના ડીએનએ સેમ્પલ મેચિંગની કરુણ અને સંવેદનશીલ પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે. આજે સાંજે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 208 મૃતકોના ડીએનએ સેમ્પલ સફળતાપૂર્વક મેચ થઈ ચૂક્યા છે. જેમાંથી 173 મૃતદેહ તેમના પરિવારજનોને સુપરત કરી દેવામાં આવ્યા છે, જેનાથી શોકગ્રસ્ત પરિવારોને તેમના સ્વજનોના અંતિમ સંસ્કાર કરવાની તક મળી છે.
ડો. જોશીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, હજુ પણ 14 પરિવારો નજીકના સમયમાં તેમના સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, જ્યારે 12 પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચ થવાની આશામાં રાહ જોઈ રહ્યા છે.
મૃત્યુ પામેલા યાત્રીઓની રાષ્ટ્રીયતા અંગે માહિતી આપતા ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, 173 મૃતકોમાં 131 ભારતના નાગરિકો, 4 પોર્ટુગલના નાગરિકો, 30 બ્રિટિશ નાગરિકો અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દુર્ઘટના સ્થળે હાજર 6 નોન-પેસેન્જર વ્યક્તિઓ પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેમણે સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતવાર માહિતી પણ પૂરી પાડી હતી.
ડો. જોશીએ ભારપૂર્વક જણાવ્યું કે, ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને તેમાં કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી, આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સીઓ ખડેપગે અવિરત કામગીરી કરી રહી છે. આ કરુણ દુર્ઘટનામાં ભોગ બનેલા તમામ આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવી રહી છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
